સાવરકુંડલા ખાતેના સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી રૂપાલા
કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ કામગીરી તેમજ ૧૦૦% વેક્સીનેશનની કામગીરી પૂર્ણ કરનાર આરોગ્યકર્મીઓને મંત્રીશ્રી દ્વારા સન્માનપત્ર એનાયત કરાયું
મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાયું
લોકોને સ્થળ ઉપર જ વિવિધ પ્રકારની જનસુવિધાઓ મળી રહે તે હેતુથી સાવરકુંડલાની રઘુવંશીપરા પ્રાથમિક શાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજવામાં આવેલા સેવાસેતુ કાર્યક્રમમાં આજે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી.
આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક ઉદ્દબોધન આપ્યું હતું. કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તેમજ ૧૦૦% વેક્સીનેશનની કામગીરી પૂર્ણ કરનાર આરોગ્યકર્મીઓને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવી સન્માનપત્ર એનાયત કર્યું હતું. મંત્રીશ્રીએ આગામી દિવસોમાં કિશોરો માટે ફરી શરૂ થનાર બુસ્ટર ડોઝ માટેની ઝુંબેશમાં વધુ વેક્સીનેશન થાય તે દિશામાં કાર્ય કરવા આરોગ્યકર્મીઓને અપીલ કરી હતી.
મંત્રીશ્રીએ ઉનાળાની આકરી ગરમીની વચ્ચે પક્ષીઓને પાણી મળી રહે તે માટે કુંડાનું વિતરણ કરી લોકોને કુંડાઓનો સદુપયોગ કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓને વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીની મુલાકાત વેળાએ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા તેમજ વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments