અમદાવાદની હોટલમાંથી આઈપીએલનો સટ્ટો રમાડતા ૪ બુકી પકડાયા
ઈન્ડિયન પ્રીમિયર લિગ શરૂ થતાં જ બુકીઓ એક્ટિવ થઈ ગયા છે. બુકીનીઓની સાથે પોલીસ પણ એક્ટિવ થતા છેલ્લા ઘણા દિવસોથી અનેક પટ્ટરો અને બુકીઓ પોલીસ પકડમાં આવી ચૂક્યા છે. ઝુંડાલથી ચાંદખેડા તરફ જતા રોડ પર આવેલા સ્પર્શ આર્કેડના એક રૂમમાં ૪ માણસો રોકાયા હતા, તે ચારેય આઈપીએલ પર સટ્ટો રમાડી રહ્યાની બાતમી ચાંદખેડા પીઆઈ વી.એમ.દેસાઈને મળી હતી. તેમણે સ્ટાફ સાથે દરોડો પાડીને હોટલના રૂમમાંથી આશિષ પારસમલજી બોકાડિયા (૪૦)(ગીરિરાજ એપાર્ટ, સાબરમતી), ડેનિશ ભીખાલાલ મોરખિયા (૩૨) (શ્રીહરિ બ્લેજીંગ,ન્યૂ સીજી રોડ, ચાંદખેડા), વિશાલસિંહ જગદીશસિંહ ભાટી (૩૬)(તેજેન્દ્રનગર-૩,સાબરમતી) અને રોહિત નાનકરામ લાલવાણી (૩૨) (દેવર્સી બંગ્લોઝ,નાના ચિલોડા)ને ઝડપી લઇ તેમના મોબાઈલ ફોન ચેક કરતા તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં આઈપીએલની ચેન્નાઈ સુપરકિંગ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પર સટ્ટો રમી રહ્યા હતા અને રમાડી પણ રહ્યા હતા.
જેથી પોલીસે ચારેયની ધરપકડ કરી ૫ મોબાઈલ ફોન અને ટીવી મળી રૂ. ૪૮ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ચારેયે મેચ પર સટ્ટો રમવા માટે હોટલમાં રુમ બુક કરાવ્યો હતો.ચાંદખેડા પોલીસે બાતમીના આધારે ચાંદખેડાના સ્પર્શ આર્કેડના ૫મા માળે સ્પર્શ ઈન હોટલના એક રૂમમાં દરોડો પાડીને આઈપીએલ પર સટ્ટો રમાડતા ૪ બુકીને ૫ ફોન, ટીવી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
Recent Comments