સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળો યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લાના લોકોની સુખાકારી માટે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બબુબેન પાંચાણીના અધ્યક્ષસ્થાને તેમજ વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં વઢવાણ આનંદભુવન ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળો યોજાયો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગંભીર રોગોમાં રૂપિયા ૫ લાખ સુધીની સારવાર સહાય આપવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્યને લગતી વિવિધ યોજના કાર્યરત છે. આ યોજનાનો લાભ અંતરિયાળ વિસ્તારના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે ધારાસભ્યશ્રીએ ઉપસ્થિત સરપંચશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી કે.સી. સંપટે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવાય અને સરકારી યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તેવા હેતુથી આ જન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં દરેક તાલુકા મથકે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વધુમાં જિલ્લા કલેકટરશ્રીએ ગંગા સ્વરૂપા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના અને વ્હાલી દીકરી યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળી રહે તેવું આયોજન કરવા સરપંચશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચંદ્રમણી કુમારે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં અધિક આરોગ્ય અધિકારીશ્રી બી.જી. ગોહિલે સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ ડો.જયેશ રાઠોડ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખશ્રી વિરેન્દ્ર આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી ઉદુભા ઝાલા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નરેન્દ્ર મુંજપરા અને જિલ્લાના સરપંચશ્રીઓ-પદાધિકારીશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments