અમરેલી

અમરેલી જિલ્લામાં કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી કાર્યક્રમ અંતર્ગત પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટકાર્ડ દ્વારા લાભ અપાશે

અમરેલી જિલ્લા સેવાસદન ખાતે  જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ડીએલસીસીની બેઠક યોજાઇ

કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લામાં પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા લાભ આપવામાં આવશે. જે સંદર્ભે જિલ્લા સેવાસદન, ખાતે જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવની અધ્યક્ષતામાં બેન્કો અને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. 

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ યોજના હેઠળ અમરેલી જિલ્લાના વધુમાં વધુ ખેડુતોને લાભ મળે તે માટે સબંધિત અધિકારીઓને સઘન આયોજન કરવા કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. કલેક્ટરશ્રીએ જણાવ્યુ કે, પી.એમ. કિસાન યોજનાના લાભાર્થીઓની સંખ્યા ઘણી છે.પરંતુ જાણકારીના અભાવે જરૂરતમંદ ખેડુતો લાભ લઈ શક્તા નથી તેમ જણાવી બાકી રહેલા ખેડુતો આ યોજનાનો મહત્તમ લાભ લઈ શકે તે માટે ખેડુતોને જાગૃત કરવા પણ સલંગ્ન અધિકારીઓને સુચના આપી હતી.      

 બેઠકની શરૂઆતમાં લીડ બેંક મેનેજર અનિલ ગેહલોતે યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજના પી.એમ.કિસાનના જે લાભાર્થીઓએ લોન માટેની કેસીસી (કિસાન ક્રેડીટ કાર્ડ) ની યોજનાનો લાભ લીધેલ ના હોય તેના માટે છે. કેસીસીની લોનનો લાભ ખાતાદીઠ મળવાપાત્ર છે. તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે. પાક ધિરાણ રૂા.૩ લાખ સુધીની લોન માટે વ્યાજદર ૭ ટકા રહેશે. જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) અને ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ભરપાઇ કરવામાં આવશે. તેમજ મત્સ્યઉદ્યોગ અને પશુપાલનના રૂા.૨ લાખ સુધીનું ધિરાણ માટે વ્યાજદર ૭ ટકા રહેશે. (કુલ પાક ધિરાણ રૂા.૩ લાખ સુધી માટે) જો આ લોનની ભરપાઇ ૩૬૫ દિવસની અંદર કરવામાં આવે તો ૩ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર (નાબાર્ડ) દ્વારા ભરપાઇ કરવામાં આવશે. જો ૩૬૫ દિવસની અંદર લોન ભરપાઇ કરવામાં નહી આવે તો બેન્કના નિયમ મુજબ વ્યાજદર રહેશે.

કેસીસીનો લાભ ૭-૧૨ ની કોપી અને પાકની વિગત બેન્ક દ્વારા સરળતાથી અને ત્વરીત આપવામાં આવશે. પીએમ કિસાનના જે લાભાર્થીઓ કેસીસીનો લાભ લઇ રહ્યાં છે, તેઓ વધારાની લોન લેવા માટે તેમની બેન્કની બ્રાન્ચનો સંપર્ક કરી શકશે. તેમજ લાભાર્થીઓને આ યોજનાનું સરળ ફોર્મ ભરવા માટેની માહિતી નજીકના સીએસસી સેન્ટરથી મળશે. KCC  ની કામગીરી માટે ગામના તલાટી મંત્રીશ્રી, દુધ મંડળીના સેક્રેટરીશ્રી, બેન્કમિત્ર, બેન્ક સખી મંડળ  પાસેથી પણ  વધુ માર્ગદર્શન મેળવી શકાશે અને ફોર્મ ભરી શકશે. તા.૨૪ મી એપ્રિલ થી તા.૧ લી મે,૨૦૨૨ સુધીના અભિયાનમાં સમાજિક સુરક્ષા PMSBY/PMJJBY/APY/PMJDY અંતર્ગત તમામ યોગ્ય લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવાશે તેમજ તા. ૨૪ મી એપ્રિલ,૨૦૨૨ ને રવિવારના રોજ  સાજે ૫:૦૦ કલાકે તમામ ગામોમાં ગ્રામસભા યોજાશે જેને દેશના વડાપ્રધાનશ્રી સંબોધિત કરશે તેમ જણાવ્યું હતું.      

બેઠકમાં નાબાર્ડના ડી.ડી.એમ.જિગ્નેશ ઝાલા, બેન્ક તથા વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related Posts