રાજકોટમાં કોઈને કોઈ કારણે કૌભાંડો જાેવા મળે છે ક્યારેક પોલીસનું હપ્તારાજ હોય કે પછી આરટીઓના નકલી દસ્તાવેજાે કે પછી ખનીજ વિભાગના નકલી દસ્તાવેજાે રાજકોટમાં અવારનવાર આવા પ્રકારના અસામાજિક કાર્યો થતા હોવાના સમાચાર મળી રહે છે ત્યારે હાલમાં રાજકોટના ધોરાજી તાલુકામાં ખાણ ખનીજ વિભાગના નકલી મુક્તિ હુકમ વડે ખનીજ ચોરીમાં પકડાયેલી ટ્રક છોડાવવાનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં ટ્રક માલિકોને જે મહેતા નામના શખ્સે બોગસ દસ્તાવેજ આપ્યા છે તે સાગર ઉર્ફે મનીષ મહેતા હોવાનું સામે આવ્યું છે.
આ સાગર આ પહેલા રાજ્યના સૌથી મોટા બોગસ આરટીઓ કચેરી કૌભાંડમાં પણ સંડોવાયેલો છે. ખનીજ ચોરના ટ્રક પકડાઈ જતા ટ્રક છોડાવવા માટે અલગ અલગ છટકબારી શોધતા હતા. આ માટે તેઓ અન્ય એક ખનીજચોર પાસે ગયા હતા અને તેમણે ‘અદા’ તરીકે ઓળખાતી સાગર મહેતા નામની વ્યક્તિનો નંબર આપી સેટિંગ કરાવી દેશે તેવું કહ્યું હતું. ટ્રક માલિકોએ સાગરને ફોન કરતા સાગરે એક લાખનો દંડ થશે અને ૫૫૦૦૦ રૂપિયામાં હુકમ બનાવી દેશે તેમ કહ્યું હતું. અડધા જ દંડમાં ફટાફટ ટ્રક છૂટે તેવી મેલી મુરાદ માટે બંને ખનીજચોરોએ સાગરને પૈસા આંગડિયા કરી દીધા હતા અને બીજા જ દિવસે બંનેને હુકમ મળી ગયા હતા. ૨૦૧૯માં રાજકોટમાં નકલી ડ્રાઈવિંગ લાઇસન્સ તેમજ ટ્રાફિક મેમોમાં અડધી રકમ ભરીને આરટીઓની સહી સિક્કા વાળી નકલી પહોંચ સહિતનું કૌભાંડ સામે આવ્યું હતું અને પોલીસે તેમાં આરોપીઓની ધરપકડ કરતા એક ઓફિસમાંથી આરટીઓને લગતું સાહિત્ય મળ્યું હતું અને આખી બોગસ આરટીઓ કચેરીની જેમ તમામ કામો થતા હતા.
જેમને લાઇસન્સ જાેતા હોય તેમને બોગસ લાઇસન્સ બનાવી દેતા હતા. આ ઉપરાંત જે લોકોને ટ્રાફિક નિયમભંગના મેમો આવ્યા હોય તેમને શોધીને અડધો દંડ ભરીને પૂરા દંડની અસર પહોંચ આપશે તેમ કહીને પણ ઘણા લોકો પાસેથી રકમ લઈ નકલી પહોંચ આપી દેતા હતા અને ખુબ કમાણી કરી હતી. આ કૌભાંડના સૂત્રધાર પૈકીનો એક આરોપી સાગર ઉર્ફે મનીષ ઘનશ્યામ મહેતા હતો અને ધોરાજી ખનીજ કૌભાંડમાં પણ ખનીજચોરોએ તેનો સંપર્ક કરી નકલી હુકમ મેળવ્યા હતા. સાગર મહેતા ૨૦૧૯માં રાજકોટ શહેરમાં આજી ડેમ ચોકડી પાસેના માનસરોવર પાર્કમાં રહેતો હતો અને આરટીઓ કૌભાંડમાં ત્યાંથી જ તેની ધરપકડ કરાઈ હતી.
Recent Comments