રિયાલિટી ટીવી શો પર આ કચ્છી યુવક પાથરી રહ્યો છે સૂરોનો જાદુ
કચ્છના યુવાનો કારકિર્દીના હરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી કચ્છનું તેમજ ગુજરાતનું નામ દેશ વિદેશમાં રોશન કરે છે. હાલ થોડા સમય પહેલા જ મૂળ કચ્છના એક બાળકે એક ટેલેન્ટ શોમાં પોતાના ઝડપી ગણિતથી લોકોને ચકિત કર્યા હતા. તો હવે કચ્છનો વધુ એક યુવાન નેશનલ ટીવી પર રિયાલિટી શોમાં પોતાના સૂરોથી લોકોનું મન મોહી રહ્યો છે. એક નેશનલ ટીવી ચેનલ પર ચાલી રહેલા સ્વર્ણ સ્વર ભારત નામના રિયાલિટી સિંગીંગ શો પર મૂળ કચ્છનો પ્રિયાંશ છેલ્લા ચારથી પાંચ મહિના પહેલા સિલેક્ટ થયા બાદ હાલ પ્રથમ હરોળના સ્પર્ધકોમાં પોતાનું સ્થાન જમાવી બેઠો છે. 22 વર્ષીય પ્રીયાંશ ડિમ્પલ શાહ મૂળ કચ્છના વતની છે. અને છેલ્લા થોડા વર્ષોથી પોતાના પરિવાર સાથે વડોદરા સ્થાયી થયા છે. બાળપણથી જ સંગીતમાં રસ ધરાવનાર પ્રિયાંશે સંગીતને એક ધર્મ તરીકે પાળ્યું અને તેની સાધના કરી આજે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. હાલમાં પ્રિયાંશ એક નેશનલ ચેનલ પર ચાલી રહેલા સ્વર્ણ સ્વર ભારત નામના રિયાલિટી સિંગિંગ શો પર પોતાના સુરોનો જાદુ પાથરી રહ્યો છે. છેલ્લા ચારથી પાંચ મહિના પહેલા શરૂ થયેલા આ શો પર હજારો લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી પસંદ થયેલા 20 લોકોમાંથી પ્રિયાંશ એકમાત્ર ગુજરાતી હતો અને સાથે જ કચ્છી પણ. બોલીવુડ ગીતો, ગઝલો, ભજન, સૂફી, ગરબા વગેરે ગીતો સાથે પોતાની વર્સેટિલિટીના કારણે તે હાલ રિયાલિટી શો પર બાકી રહેલા સ્પર્ધકોમાં સારું સ્થાન બનાવીને બેઠો છે. પ્રિયાંશના પિતાને પણ બાળપણથી જ સંગીતમાં ખૂબ રસ હતો, પણ વ્યવસાય સાથે સંગીત ચાલુ રાખવું શક્ય ન હતું. પણ તેમના પુત્રમાં આ કળા જોતા તેમણે બાળપણથી જ તેને પ્રોત્સાહન આપ્યું હતું. જેથી આજે પ્રિયાંશ સંગીતમાં એટલો ગળાડૂબ છે કે તેને જ તે પોતાનો ધર્મ માને છે.
Recent Comments