હર્ષદપુર ગામે થયેલ પ્રૌઢની હત્યામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડી પડતી પોલીસ
જામનગરના હર્ષદપુર ગામમાં સોમવારે સાંજે એક પ્રૌઢની પ્રેમ પ્રકરણના મામલે કરપીણ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓના સગડ દબાવ્યા હતાં. તપાસમાં જોતરાયેલી એલસીબીએ આરોપીઓ પૈકીના બે ને ગોકુલનગર સ્થિત મકાનમાંથી પકડી પાડ્યા છે. જામનગર તાલુકાના કોંઝા ગામના દશરથસિંહ નવલસિંહ ભટ્ટી નામના યુવાનને નાઘુના ગામના પ્રકાશસિંહ કેશુરની પુત્રી સાથે પ્રેમસંબંધ હોય અને તેની સાથે લગ્ન કરવા હોય પરંતુ પ્રકાશસિંહની પુત્રીએ લગ્નની ના પાડી હતી તેમ છતાં તેની સાથે દશરથસિંહ સંબંધ રાખતો હોય, ગઈ તા. ૨૫ની સાંજે હર્ષદપુર ગામમાં પેટ્રોલ પંપ પાસે હાજર દશરથસિંહ પર છરી વડે ધાર્મિકસિંહ પ્રકાશસિંહ, મહેન્દ્રસિંહ, રંજનબા, મમલા કોળીએ હુમલો કર્યો હતો. તે પછી ડરી ગયેલા દશરથસિંહે પોતાના કાકા શિવુભા ભટ્ટીને ફોન કરીને બોલાવ્યા હતાં. તે પછી પ્રકાશસિંહ, સંજયસિંહ, વિક્રમસિંહ, મહેન્દ્રસિંહ, ધાર્મિકસિંહ, મમલા કોળી, રવિ સોલંકીએ ધોકા તથા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શિવુભા ભટ્ટીની કરપીણ હત્યા નીપજાવી હતી. પોલીસે દશરથસિંહની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો હતો. આ કેસની ચાલી રહેલી તપાસ દરમ્યાન એસપી પ્રેમસુખ ડેલુની સુચનાથી એલસીબીના પીઆઈ એસ.એસ. નિનામાએ, પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ, આર.બી. ગોજીયા, પીએસઆઈ બી.એમ. દેવમુરારીના વડપણ હેઠળ જુદી-જુદી ટીમ બનાવી હતી. તે ટીમ દ્વારા બનાવના સ્થળ વગેરેના સીસી ટીવીના ફૂટેજ ચકાસાયા હતાં. તે દરમ્યાન એલસીબીના શિવભદ્રસિંહ જાડેજા, ફિરોઝ ખફી, સંજયસિંહ વાળાને બાતમી મળી હતી કે, આરોપી મહેન્દ્રસિંહ તથા ધાર્મિકસિંહ ગોકુલનગર નજીકના શિવનગરમાં એક મકાનમાં છુપાયા છે. તે બાતમીના આધારે એલસીબીના સ્ટાફે ત્યાં આવેલા રાજેશ કેરના મકાનમાં દરોડો પાડતા ત્યાંથી મહેન્દ્રસિંહ ભૂપતસિંહ અને ધાર્મિકસિંહ પ્રકાશસિંહ કેશુર ઉર્ફે સાલુ ઝડપાઈ ગયા હતાં. બંન્ને શખ્સની અટકાયત કરી પંચકોશી બી ડિવિઝન પોલીસને તેનો કબ્જો સોપવાની તજવીજ કરાઈ છે.
Recent Comments