સૌરાષ્ટ - કચ્છ

પોરબંદરની ખાસ જેલ કેદીઓનું સમરાંગણ : બે કેદીઓ વચ્ચે બઘડાટી : એક કેદીએ અન્ય કેદીને માથામાં પથ્થરનો ઘા ઝીંકી દીધો હતો.

પોરબંદરની ખાસ જેલ ધણીધોરી વિના હોય તેમ અવાર-નવાર કેદીઓનાં ઝઘડાની ઘટના બને છે. ગઇકાલે સવારે વધુ એક ઘટના બની હતી. જેમાં લુડો રમતીવેળાએ બે કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને જેમાં એક કેદીએ અન્ય કેદીને માથામાં પથ્થરનો ઘા ઝીંકી દીધો હતો. ઇજાગ્રસ્ત બનેલા આ કેદીને પ્રાથમિક સારવાર પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો. 
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરના વીરડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખાસ જેલમાં રહેલા વિજય રવજી સોલંકી નામનાં કાચા કેદી અને ભરત મોરી નામનાં બે કેદીઓ લુડો રમી રહયાં હતાં એ દરમિયાન બંને કેદી વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા ભરત મોરીએ પથ્થર વડે વિજય સોલંકીને માથાનાં ભાગે માર મારતાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને તાત્કાલીક સારવાર માટે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમની સ્થિતિ ગંભીર જણાતાં વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહયું છે. પોરબંદરની ખાસ જેલમાં અવાર-નવાર કેદીઓ વચ્ચે મારામારીની ઘટના બને છે. જેને લઇને શહેરમાં અનેક તર્કવિર્તક જોવા મળી રહે છે. 

Related Posts