ગુજરાત

પાવાગઢ મહાકાળી મંદિરમાં ૨૧૦ ફુટ ઊંચી લીફ્ટ બનાવાશે, કામગીરી શરૂ કરાઇ

સમગ્ર ભારતમાં મહાકાળી માતાના નામથી ફક્ત બે જ મોટા અને મહત્વના પ્રસિદ્ધ મંદિર છે જેમાં કલકત્તા ખાતે આવેલું કાળી મંદિર અને બીજું ગુજરાતના પાવાગઢ ખાતે આવેલું મહાકાળી મંદિર છે ત્યારે હવે પાવાગઢ મહાકાળી મંદિર ખાતે માતાના દર્શન કરવા માટે લગભગ ૪૦ સેકન્ડમાં જ લીફ્ટના માધ્યમથી પહોંચી શકાશે.      સરકારે પર્વત ખોદી અને લીફ્ટ બનાવવાનું આયોજન કર્યું છે. મહાકાળી મંદિર ગબ્બરને અડીને આવેલા પર્વતને ખોદીને ૨૧૦ ફુટ ઊંચી એટલે કે ૩ માળ સુધી જઈ શકે તેવી લીફ્ટ બનાવવાના આયોજનને આરંભી દેવાયું છે

. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ પાવાગઢ ડેવલોપમેન્ટ ફેઝ ૩ની શરૂઆત કરી દેવામાં આવી છે જે માટે રૂ. ૧૩૦ કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. પર્વતની અંદર ખોદકામ કરવા માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે બાદ લીફ્ટ બનાવવા માટે પર્વતની અંદર ખોદકામ કરવાની કામગીરી શરૂ કરાશે. લીફ્ટ બનવાને કારણે માત્ર ૪૦ સેકન્ડમાં જ માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લીફ્ટમાં મહત્તમ ૧૨ વ્યક્તિઓ સમાઈ શકે તે પ્રકારની લીફ્ટ મૂકવામાં આવશે. યાત્રાધામ વિભાગ દ્વારા બનાવાઈ રહેલી આ લીફ્ટ જરૂરિયાતમંદ લોકો જેવાં કે મહિલા, બાળકો, વૃદ્ધો ઉપયોગ કરી શકે તે માટેની પ્રાથમિક વિચારણાં છે. આ લીફ્ટનો ઉપયોગ કરવાનો ચાર્જ પણ લઘુત્તમ અથવા તો નજીવો રાખવામાં આવે તેવી વિચારણાં હાલ ચાલી રહી છે ત્યારે મંદિર સાથે સંકળાયેલા તથા ધાર્મિક આગેવાનો નિશુલ્ક લીફ્ટનો ઉપયોગ કરી શકાય તેવી રજૂઆત સરકારને કરી રહ્યાં છે.

Related Posts