ભારતીય રેલ્વેએ કોરોના મહામારી દરમિયાન મુસાફરોની ટિકિટ સંબંધિત ફેરફારો કર્યા હતા. આમાંનો એક ફેરફાર વરિષ્ઠ નાગરિકોને ટિકિટ પર આપવામાં આવતી છૂટને સ્થગિત કરવાનો નિર્ણય હતો. આ નિર્ણયથી રેલવેને સારી એવી કમાણી થઈ છે. માર્ચ 2020માં રેલ્વેએ કોરોનાની શરૂઆતમાં વૃદ્ધ મુસાફરો માટે ટિકિટ પરની છૂટને સમાપ્ત કરી. ત્યાર પછી આ નિર્ણયથી રેલવેને 1,500 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ છે.
આ માહિતી મધ્યપ્રદેશના ચંદ્ર શેખર ગૌર દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઇ અરજીના જવાબમાં રેલવેએ જણાવી હતી. RTIના જવાબમાં રેલ્વેએ કહ્યું છે કે 20 માર્ચ, 2020 થી 31 માર્ચ, 2022 વચ્ચે રેલ્વેએ 7.31 કરોડ વરિષ્ઠ નાગરિકોને રાહત આપી નથી. તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના 4.46 કરોડ પુરુષો, 58 વર્ષથી વધુ ઉંમરની 2.84 કરોડ મહિલાઓ અને 8,310 ટ્રાન્સજેન્ડર લોકોનો સમાવેશ થાય છે.
આરટીઆઈના જવાબ મુજબ, આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ નાગરિક મુસાફરો પાસેથી પ્રાપ્ત થયેલી કુલ આવક રૂ. 3,464 કરોડ છે, જેમાં કન્સેશન સસ્પેન્શનના કારણે મળેલા વધારાના રૂ. 1,500 કરોડનો સમાવેશ થાય છે.
ટ્રાન્સજેન્ડર મુસાફરો પાસેથી 45.58 લાખ રૂપિયાની કમાણી
રેલવેએ પુરૂષ મુસાફરો પાસેથી રૂ. 2,082 કરોડ, મહિલા મુસાફરો પાસેથી રૂ. 1,381 કરોડ અને ટ્રાન્સજેન્ડર પાસેથી રૂ. 45.58 લાખની કમાણી કરી છે. મહિલા વરિષ્ઠ નાગરિક મુસાફરો 50 ટકા કન્સેશન માટે પાત્ર છે, જ્યારે પુરૂષો અને ટ્રાન્સજેન્ડરને તમામ વર્ગોમાં 40 ટકા કન્સેશનનો લાભ આપવામાં આવ્યો હતો.
માર્ચ 2020માં વૃદ્ધ નાગરિકો માટે ટિકિટ પરનું ડિસ્કાઉન્ટ બંધ કરવાનો નિર્ણય હજુ પણ યથાવત છે. વરિષ્ઠ રેલ્વે અધિકારીઓએ સંકેત આપ્યો છે કે વૃદ્ધ નાગરિકોને આપવામાં આવતી રાહતો જાળવી રાખી શકાય નહીં.
કોરોનાને કારણે 2020 થી 21 વચ્ચે ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર જનજીવન પાટા પર આવી ગયું છે અને ટ્રેન સેવાઓ સામાન્ય થવા લાગી છે ત્યારે આ રાહતો પુનઃસ્થાપિત કરવાની માંગ ઉઠી છે.
છેલ્લા બે દાયકાથી રેલવે દ્વારા આપવામાં આવતી રાહતો ચર્ચાનો વિષય બની રહી છે. ઘણી કમિટીઓએ તેમને પરત ખેંચવાની માંગ પણ ઉઠાવી છે. જેનું પરિણામ એ આવ્યું કે જુલાઈ 2016માં રેલવેએ વૃદ્ધો માટે આ છૂટ વૈકલ્પિક કરી દીધી હતી. મુસાફરોને આપવામાં આવતી વિવિધ રાહતોને કારણે રેલવેને દર વર્ષે લગભગ રૂ. 2,000 કરોડનો મોટો બોજ સહન કરવો પડે છે. વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર દ્વારા આપવામાં આવેલી કુલ છૂટના લગભગ 80 ટકા જેટલી છે.
અગાઉ, રેલ્વેએ વરિષ્ઠ નાગરિકોને રેલ્વે દ્વારા આપવામાં આવતી રાહતોને છોડી દેવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રેલવેનો એ પ્રયાસ નિષ્ફળ ગયો. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના 2019ના અહેવાલ મુજબ, વરિષ્ઠ નાગરિક મુસાફરોની ‘ગીવ ઈટ અપ’ યોજનાનો પ્રતિસાદ બહુ પ્રોત્સાહક નહોતો.


















Recent Comments