ગાંધીનગર જિલ્લાના મગોડી ગામનાં સોલંકીપુરા પાટિયા નજીક માર્ગ અકસ્માત માં ૪૫ વર્ષીય વ્યક્તિ નું મોત
ગાંધીનગર જિલ્લાના મગોડી ગામમાં આવેલ સોલંકીપુરા પાટિયા નજીકનાં માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરથી ૪૫ વર્ષીય બાઈક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત, ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોલંકીપુરા ગામમાં રહેતાં ઈન્દ્રસિંહ ગાંડાસિંહ સોલંકીએ ચીલોડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કુટુંબી ભત્રીજાએ ફોન કરીને જાણ કરી હતી કે, હું લગ્નમાંથી ઘરે જતો હતો. ત્યારે સોલંકીપુરા પાટિયા પાસેના રોડ ઉપર કાકા કરણસિંહ સોલંકીને કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને નાસી ગયો છે. જેઓ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં રોડ ઉપર પડ્યા છે. આ સાંભળીને વૃદ્ધ ઈન્દ્રસિંહ નજીકના સગા સાથે અકસ્માત વાળી જગ્યાએ પહોંચી ગયા હતા. જ્યાં રોડ ઉપર તેમના નાના ભાઈ કરણસિંહ રોડ ઉપર મરણ ગયેલી હાલતમાં પડ્યા હતાં અને રાહદારીઓ પણ એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન કોઈએ ફોન કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને કરણસિંહને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે કરણસિંહને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે ઈન્દ્રસિંહને જાણવા મળ્યું હતું કે, કરણસિંહ બાઈક લઈને સોલંકીપુરા પાટિયા નજીકના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને બાઇકને ટક્કર મારી હતી.
Recent Comments