લગ્નના થોડાજ દિવસમાં પતિ ધુણવા લાગ્યો અને પત્નીને માર માર્યો, પતિની આ બીમારી વિશે કોઈ નક્કર વાત નહીં કરતા પત્નીએ ફરિયાદ નોંધાવી
રાજકોટના પીપળીયા હોલ પાસેની સહકાર સોસાયટી શેરી નંબર 2માં માતા-પિતાના ઘરે છેલ્લા ચાર મહિનાથી રહેતી હીનાબેન નામની 40 વર્ષની પરિણીતાએ પતિ તેજસ, સાસુ ઉષાબેન કમળાશંકર દવે, દીયર ગૌરાંગ, દેરાણી મમતાબેન અને નણંદ મનીષાબેન વિરૂદ્ધ ત્રાસ આપી મારકૂટ કર્યાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, 2021માં તેના લગ્ન થયા હતાં. લગ્નનાં દિવસે તેના ભાભીએ પતિનું રિવાજ મુજબ નાક ખેંચતા પતિને ખોટું લાગી ગયું હતું. જેને કારણે તેણે માંડવામાં જ બધા વચ્ચે તેમને અપમાનીત કરી ધમાલ કરી હતી. તે વખતે તેના નણંદે કહ્યું કે, આ કોર્ટ કચેરીવાળા માણસો છે, આપણે અહીંથી જતા રહીએ. બાદમા થોડા દિવસ પછી તેજસ ધૂણવા લાગ્યો હતો અને જોર જોરથી હસી માર મારવા લાગ્યો હતો. લગ્નનાં બીજા જ દિવસે સવારે સાસુ અને નણંદે તેના પતિનું ભાભીએ નાક ખેંચ્યું હોવાથી તેનો ખાર રાખી તેની સાથે ગાળાગાળી કરી હતી. સાસુએ કહ્યું હતું કે, તારે અહીં રહેવું હોય તો જ તારો સામાન ખોલજે, બાકી આજે જ તારા બાપનાં ઘરે જતી રહેજે.
તારી પહેલા તેજસ માટે ઘણી છોકરીઓ જોઈ છે, તું અહીંથી જતી રહીશ તો અમે બીજી છોકરી સાથે લગ્ન કરાવી નાખશું. આ વાત સાંભળી તે અવાચક બની ગઈ હતી. પતિને આ બાબતે કહેતા કાંઈ કહ્યું નહોતું. દિયર અને દેરાણીએ કહ્યું કે, તારે અહીં અમે કહીએ તેમ જ રહેવાનું, નહીંતર દરવાજા ખુલ્લા જ છે, તારી ઉપર દયા ખાઈને તેજસનાં લગ્ન કરાવ્યા છે. આ રીતે તેના મેડીકલ પ્રોબ્લેમ વિશે સંભળાવ્યું હતું. તેણે પોતાની આ તકલીફ બાબતે લગ્ન પહેલા જ બધાને માહિતગાર કરી દીધા હતાં. છતાં તેની મજાક ઉડાવી હતી. આમ છતાં તેણે સાસરીયાઓને કહ્યું કે, તમે કહેશો એમ જ હું કરીશ. પરિણામે ત્રણ દિવસ સુધી કોઈએ કશું જ કહ્યું ન હતું. એક દિવસ રાત્રે પતિ બહારથી ઘરે આવી બધાની સામે ધુણવા લાગ્યો હતો. એટલું જ નહીં દીવાલમાં માથા પછાડ્યા હતાં. બીજા દિવસે રાત્રે ફરીથી જોર જોરથી હસવા લાગ્યો હતો અને ફરીથી ધુણી તેને મારકૂટ કરી કહ્યું કે, તું રાજકોટ ભેગી થઈ જા. પતિના આવા વર્તનથી તેની તબીયત ખરાબ થઈ ગઈ હતી. બીજા દિવસે દેરાણી અને નણંદની ચડામણીથી પતિ અને સાસુએ રાજકોટ જતી રહેવાનું કહેતા પતિ 14-1-2022નાં રોજ તેને ગ્રીનલેન્ડ ચોકડી સુધી મુકી જતો રહ્યો હતો. પતિએ કહ્યું કે, મને પહેલેથી જ આવી તકલીફ છે, તારે આવવું હોય તો તેડી જાવ. આ રીતે પતિએ તેની બીમારી વિશે કોઈ નક્કર વાત નહીં કરતાં પોલીસમાં અરજી કરી હતી. પોલીસે બન્ને પક્ષોને બોલાવી સમજાવ્યા હતાં. એ વખતે પતિએ તેડી જવાની તૈયારી બતાવી હતી. પરંતુ પોતાની બીમારી વિશે કોઈ નક્કર વાત નહીં કરતા આખરે ફરિયાદ નોંધાવી હતી.
Recent Comments