અમરેલી

અમરેલી એલસીબીએ ટ્રકમાંથી દારૂની ૬૪૨૦ બોટલ ઝડપી પાડી

રાજસ્થાની શખ્સ ટ્રકમા ભુસાના બાચકા પાછળ ૫૩૫ પેટી ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી અમરેલી તરફ આવી રહ્યો હતો ત્યારે એલસીબીએ તેને ઝડપી લઇ ૩૩.૮૭ લાખનો મુદામાલ કબજે લીધો હતો. દારૂનો આ જથ્થો અમરેલી લાઠી રોડ પર વરસડા ગામ નજીકથી ઝડપાયો હતો. અમરેલી એલસીબીને અહી વાહનમા દારૂની હેરફેરની બાતમી મળી હોય પીઆઇ આર.કે.કરમટા તથા સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન અહીથી પસાર થતા ટ્રક નંબર જીજે ૦૬ બીટી ૮૧૨૫ને અટકાવી તલાશી લીધી હતી.

તલાશી દરમિયાન અહી ટ્રકમા ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો હોવાનુ ખુલ્યુ હતુ. દારૂનો આ જથ્થો ભુસુ ભરેલા ૫૫ બાચકા નીચે સંતાડી રાખવામા આવ્યો હતો. ટ્રકની તલાશી દરમીયાન પોલીસને ૫૩૫ પેટી જુદીજુદી બે બ્રાંડનો ઇંગ્લીશ દારૂ મળ્યો હતો. જેમા કુલ ૬૪૨૦ નંગ દારૂની બોટલ હતી. પોલીસે રૂપિયા ૨૫.૮૧ લાખની કિમતનો આ દારૂ, એક મોબાઇલ તથા ટ્રક મળી કુલ રૂપિયા ૩૩.૮૭ લાખનો મુદામાલ કબજે લીધો હતો. ટ્રક ચાલક મુળ રાજસ્થાનના પ્રકાશ રતન ડાંગી (ઉ.વ.૩૧)ની ધરપકડ કરવામા આવી હતી. આ શખ્સને અમરેલી તાલુકા પોલીસને હવાલે કરાયો છે. દારૂનો આ જથ્થો કયાંથી આવ્યો હતેા અને અમરેલી પંથકમા આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

Related Posts