fbpx
ભાવનગર

મંત્રી જીતુભાઈ વાઘાણી અને તેમના ધર્મપત્ની શ્રીમતી સંગીતાબેન વાઘાણીએ માતા-પિતા બની અનાથ દીકરીના ભારે ધામધૂમથી લગ્ન કરાવ્યાં

સામાન્ય રીતે સમાજમાં દીકરીના લગ્નનો પ્રસંગ તેના માતા-પિતા માટે એક આગવો અને અનન્ય અવસર હોય છે. કોઈપણ માતા-પિતા પોતાની દીકરીના ધામધૂમપૂર્વક લગ્ન થાય અને દીકરીના તમામ અરમાનો પૂરા થાય તેનો ખ્યાલ રાખીને તેના લગ્ન કરાવતા હોય છે. પરંતુ સમાજમાં એવી પણ દીકરીઓ છે કે જેનું કોઈ નથી અને અનાથાશ્રમમાં કે આશ્રમશાળાઓમાં નાનપણથી મોટી થાય છે. આવી દીકરીઓને સમાજમાં માનભેર સ્થાન મળે, માતા-પિતાનો પ્રેમ મળે અને લગ્નની યોગ્ય સમયે લગ્ન કરીને સમાજજીવનમાં સ્થાપિત થાય તે જરૂરી છે.

સંવેદનશીલ એવી રાજ્ય સરકારના સંવેદનશીલ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી પણ આવું જ એક સંવેદનશીલ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. જેમણે તાપીબાઈ વિકાસ ગૃહની દીકરીના પાલક માતા-પિતા તરીકેની ફરજો પૂરી કરીને આજે તેને લગ્નની ઉંમર થતાં તેના ધામધૂમપૂર્વક લગ્ન કરાવી કન્યાદાન કર્યું હતું.

આ સમાજ અનુકરણીય કાર્યમાં તેમના મોટાભાઈ પણ પાછળ રહ્યાં નથી. તેમના મોટાભાઈ એવાં શ્રી ડો. ગીરીશભાઈ વાઘાણીએ પણ તાપીબાઇ વિકાસ ગૃહની અન્ય એક દીકરીનું માતા-પિતા તરીકેની ફરજ બજાવીને કન્યાદાન કર્યું હતું.

આમ, બંને ભાઈઓએ સમાજમાં એક આગવું અને અનોખું સાથે-સાથે અનુકરણીય પગલું ભરીને માનવતા સાથે સંવેદનશીલતાની એક અનોખી મિશાલ પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગને દિપાવવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર અને મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા પણ વિશેષરૂપે આ લગ્નમાં ભાવનગર ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.

મંત્રીશ્રીએ મંત્રી પદની ગરિમા છોડીને એક માતા-પિતા પોતાની દીકરી માટે જે ફરજ બજાવે તે તમામ ફરજો બજાવીને લગ્નના માંડવે પધારેલા સાજનની આગતા-સ્વાગતા કરી દીકરીના તમામ કોડ પૂરા થાય તેનો ખ્યાલ રાખીને ધામધૂમપૂર્વક લગ્ન કરાવ્યાં હતાં.

આમ સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ની સંવેદનશીલતાને કારણે તાપીબાઇ વિકાસ ગૃહની દીકરીઓ પૂનમ અને ગુંજનના જીવનમાં સોળે કળાએ ‘પૂનમ’ ખીલવા સાથે હરખનું ‘ગુંજન’ થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ તાપીબાઇ વિકાસ ગૃહ સને – ૧૯૬૨ થી ચાલે છે અને અનાથ દીકરીઓની સારસંભાળ રાખવા સાથે શિક્ષણ અને સમાજમાં પુન સ્થાપનનું કામ વર્ષોથી કરે છે. આ સંસ્થા અત્યાર સુધીમાં ૧૨૫થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચૂકી છે. આજે થયેલ લગ્નમાં દીકરી ગુંજન અને તેમના પતિશ્રી બંને મૂકબધિર દંપતિ છે.

બે અનાથ દિકરી પુનમ અને ગુંજનના લગ્નનો સમય આવ્યો ત્યારે મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને તેમના ભાઈ ડૉ. ગીરીશભાઈ વાઘાણીએ આ દિકરીઓને પોતાની દિકરી ગણીને બન્ને દીકરીઓના મંડપ, પૂજાવિધી પણ તેમણે ગઈકાલે કરી હતી. રાત્રે  ડાંડિયારાસ પણ રાખવામાં આવ્યો હતો. આમ, દીકરીઓના લગ્નનો પ્રસંગ તમામ પ્રસંગો અને વિધિ વિધાનથી થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવી હતી.

વિદ્યાનગર ખાતે આવેલ વિશુદ્ધાનંદ સંસ્થા ખાતે યોજાયેલ લગ્ન માટે આખી સંસ્થાને શણગારવામાં આવી હતી.વાધાણી પરિવારમાં એવો આનંદ હતો કે જાણે પોતાની જ દિકરીઓને પરણાવી રહ્યાં હોય. સમગ્ર વાઘાણી પરિવાર આ લગ્ન પ્રસંગમાં રંગેચંગે સામેલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલાં જ પાલિતાણાની અનાથ ગૃહમાં ઉછરેલી એક દીકરીના લગ્ન જિલ્લા વહીવટી તંત્રએ એક પરિવાર બનીને ધામધૂમથી કરાવ્યાં હતાં.

એક અઠવાડિયામાં ભાવનગર ખાતે આ બીજો પ્રસંગ છે જ્યારે અનાથાશ્રમની દીકરીઓને માતા-પિતા અને કુટુંબ બની રાજ્ય સરકાર તેમના પડખે ઊભી રહી છે.

આમ, સંવેદનશીલતા, કરુણા અને માનવતાની ભાવનગર ખાતેથી પ્રજ્વલિત થયેલી આ જ્યોત સમગ્ર સમાજ જીવનને પ્રકાશિત કરશે અને અન્યોને પણ સત્કાર્યો કરવાં માટે પ્રેરિત કરશે.

આજે યોજાયેલાં લગ્ન સમારંભમાં જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિશ્રી એમ.એમ. ત્રિવેદી, જાણીતાં લોક સાહિત્યકારશ્રી માયાભાઈ આહિર, સંસ્થાના ગૃહમાતાશ્રી સ્મિતાબેન, પ્રીતિબેન, ભાવનગરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts