દારૂના નશામાં દિકરો મા-બાપને મારતો હોવાની ફરિયાદ નોંધાઈ
હાલ ગુજરાતમાં ક્યાંય પણ મહિલાઓ પર અત્યાચાર થાય તો તરત જ મહિલા હેલ્પલાઈન મદદે પહોચી જાય છે ત્યારે અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં દારૂના વ્યસની દીકરાએ ઘરમાં ધમાલ મચાવી હતી. દીકરાએ પોતાના માતાપિતાને દારૂના નશામાં ઢોર માર મારતાં વૃદ્ધ મહિલાએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. વૃદ્ધ મહિલાનો દીકરો ખૂબજ દારૂ પીધેલી હાલતમાં હતો. જેથી અભયમની ટીમે તેને સ્થાનિક પોલીસને બોલાવી અને કાર્યવાહી કરી હતી.
મહિલા હેલ્પલાઈનને જુના વાડજ વિસ્તારમાંથી કોલ આવ્યો હતો કે, મારો દીકરો મને અને મારા પતિને માર મારે છે જેથી મહિલા હેલ્પલાઈનની સિવિલ લોકેશનની ટીમ ત્યાં પહોંચી હતી. ત્યાં પહોંચીને જાણવા મળ્યું હતું કે, વૃદ્ધ માતા પિતાનો દીકરો દારૂનો વ્યસની છે અને પીધેલી હાલતમાં માર મારે છે. જમવાનું ફેંકી દે છે અને ઘરમાં તોડફોડ પણ કરે છે. દીકરાની વહુ પણ દારૂની વ્યસની છે અને અલગ રહે છે. દારૂ પીને વિસ્તારમાં ધમાલ મચાવતો હોય અવારનવાર માર પણ ખાય છે. અભયમની ટીમ ત્યાં પહોંચી ત્યારે દારૂના નશામાં ધમાલ મચાવનાર શખ્સ ધાબે ચઢી ગયો હતો. સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસની મદદથી તેને નીચે ઉતાર્યો હતો. બાદમાં તેને પોલીસ સ્ટેશન ખાતે મોકલીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Recent Comments