વિશ્વ તમાકુ નિષેધ દિવસના અવસરે ભાવનગરના વાઘાવાડી રોડ ખાતે આવેલાં અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ખાતેથી વિરાટ બાળ વ્યસનમુક્તિ રેલીને કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અવસરે તેમની સાથે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રીશ્રી આર.સી. મકવાણા, પાલિતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, શહેર ભા.જ.પા.ના પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.
શહેરમાં બાળકોની આ વિશાળ રેલી અક્ષરવાડી થી વાઘાવાડી રોડ, સહકારી હાટ થી લઈને કાળાનાળા અને ત્યાંથી મેઈન બજાર થી લાટી બજાર શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી યોજાઇ હતી.
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ આ અવસરે જણાવ્યું કે, ધર્મો ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય વ્યસનમુક્તિ માટે વર્ષોથી કાર્ય કરે છે. ધર્મનું કામ જ સમાજને નકારાત્મકતા તરફ જતાં અટકાવીને સાચા માર્ગે વાળવાનું છે.
વ્યસન સ્વાસ્થ્યને નુકસાન કરે છે તેમ જણાવી તેમણે કહ્યું કે, પોષણયુક્ત આહારની આદત બને તો શરીર દીર્ઘાયુ અને નિરોગી બને છે પરંતુ જો વ્યસનની આદત થઈ જાય તો આયુષ્ય તો ઘટે જ છે, સાથે અસાધ્ય રોગો વધે છે. આર્થિક, શારીરિક રીતે અને માનસિક રીતે પણ તે નુકસાનકારક સાબિત થાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાય જે રીતે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવેલું છે ત્યારે જે લોકોના લલાટ પર તિલક હશે તે નિર્વ્યસનીજ હશે તેવું આપોઆપ આપણને ભાવ થયાં વિના રહેતું નથી.
સ્વામિનારાયણ સંપ્રદાય વિદેશોમાં ભારતીય સમાજને જોડવાનું કાર્ય કરે છે. વિદેશોમાં બાળકોની બાળ સભા દ્વારા ચારિત્ર નિર્માણનું અનોખું કાર્ય કરવામાં આવે છે. સંતોએ કરેલાં આ કાર્યો માટે ભારતીય સંસ્કૃતિ વિશ્વ વંદનીય બની છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
અક્ષર પુરૂસોત્તમ સંસ્થાના 30 હજાર બાળકોએ દેશભરમાં ૩૦ લાખ લોકો અને ભાવનગરની ૫૦૦ યુવતીઓએ ૬૧ હજાર લોકો સુધી વ્યસનમુક્તિનો સંદેશો પહોંચાડી વ્યસનમાંથી મુક્ત થવાં અપીલ કરી છે.
આજે યોજાયેલી રેલી દ્વારા આ સંદેશો સમાજ વચ્ચે જશે અને સમાજ ચારિત્રવાન બનશે તેવી અભિલાષા વ્યક્ત કરી તેમણે બાળકોને આવા શુભ કાર્ય માટે આગેવાની લેવાં માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ અવસરે અક્ષર પુરૂષોત્તમ મંદિરના કોઠારીશ્રી યોગવિજય સ્વામી, પ્રયાગમુની સ્વામી, સોમપ્રકાશ સ્વામી, વિવિધ શાળા અને બાળ સભાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments