fbpx
ગુજરાત

પ્રેમસંબંધમાં આડા આવતા પતિની પત્નીએ જ પ્રેમીને સોપારી આપી હત્યા કરાવી

લગ્ન બાદ પ્રેમસંબંધ નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વડનગર તાલુકાના સિપોર ગામના ૩૫ વર્ષીય મહેશજી ઠાકોર નામના અપહ્યત યુવાનની ૬ દિવસ બાદ હત્યા કરેલી લાશ અંબાજી નજીક કૂવામાંથી મળી આવી હતી. આ ઘટનામાં પ્રેમસંબંધમાં આડા આવતા પતિની પત્નીએ જ પ્રેમીને સોપારી આપી હત્યા કરાવી હોવાનું મહેસાણા એલસીબીની તપાસમાં ખૂલતાં પોલીસે મૃતકની પત્ની મંજી, તેના પ્રેમી રસુલપુરના નૂરમહંમદ તેમજ સોપારી લેનાર અંબાજીની ચંદા નામની મહિલા, તેના પુત્ર સહિત ૫ આરોપીની ધરપકડ કરી હોવાનું એલસીબી પીઆઈ અજીતસિંહ વાળાએ જણાવ્યું હતું. મૃતકની પત્ની મંજીબેને તેના પતિને મારવા પ્રેમી નૂરમહંમદને સોપારી આપી હતી અને નૂર મહંમદે આ કામને અંજામ આપવા અંબાજીની ચંદા નામની યુવતીનો સંપર્ક કરતાં ચંદા અને તેના દીકરા સલમાને મૃતકનું સતલાસણા તરફના રોડ પરથી અપહરણ કરી હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી.

મૃતકની પત્ની પહેલેથી જ પોલીસના શંકાના દાયરામાં હોઇ એલસીબીના પીએસઆઇ રાતડા, એ.કે. વાઘેલા અને ઝાલા સહિતની ત્રણ ટીમોએ મૃતકની પત્ની અને નૂરમહંમદ ઉપર વોચ ગોઠવી તેમની ઊલટ તપાસ કરતાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. સિપોર ગામના મહેશજી ઠાકોર નામના યુવાનની ગત ૨૬ મેના રોજ ખટાસણાની સીમમાંથી બરફના ગોળા બનાવવાનું કહી ત્રણ અજાણ્યા શખ્સો ગાડીમાં અપહરણ કરી ગયા હતા. જે અંગે યુવાનના ભાઈએ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું ખુલતાં પોલીસે શકમંદ મૃતકની પત્ની અને તેના પ્રેમીની પૂછપરછ કરતાં યુવાનની હત્યા કરાઈ હોવાનું બહાર આવતાં પોલીસે શકમંદોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં યુવકને અંબાજી નજીક કૂવામાં ફેંકી દીધાનું કબૂલતાં વડનગર પીઆઇ બી.એમ. પટેલ સહિત સ્ટાફે અંબાજી પહોંચી ૪૦૦ ફૂટ ઊંડા અવાવરૂ કૂવામાંથી મહેસાણા ફાયર વિભાગની ટીમ સાથે મળી લાશ બહાર કાઢી હતી. લાશ રાત્રે સિપોર લવાઇ હતી. વડનગર પોલીસે હત્યા સહિતની કલમ ઉમેરવા તજવીજ હાથ ધરી છે.

Follow Me:

Related Posts