દેવકા તથા કુંભારીયા ગામ વચ્ચે આવેલ નદી પર મેજર પુલની કામગીરી શરૂ: વાહન વ્યવસ્થા માટે વૈક્લ્પિક રૂટ
—-
સંભવિત જાનહાનિ નિવારવા ટ્રાફિક ડાયવર્ઝનને અનુસરવા જાહેરનામું
અમરેલી તા.૨૪ જૂન, ૨૦૨૨ (શુક્રવાર) અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રીએ રાજુલા વિસ્તારમાં માર્ગ પર વાહન વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ -૩૩ (૧)(બી) અન્વયે જાહેરનામું બહાર પાડ્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા ડુંગર રોડ પર દેવકા તથા કુંભારિયા ગામ વચ્ચે આવેલ નદી પર વોન્ટેડ કોઝ-વે હતો, તેની જગ્યાએ મેજર પુલની કામગીરી માટે મંજૂરી મળી છે. આથી આ કામગીરી માટે હયાત કોઝ-વે હતો તેની બાજુમાં ડાયવર્ઝન પણ બનાવવામાં આવ્યું હતું, જે ચોમાસાની સ્થિતિને લીધે તૂટી ગયું હોય, સંભવિત જાનહાનિ અને અકસ્માત ટાળવા માટે આ રસ્તો આગામી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી બંધ કરવામાં આવ્યો છે.
આ રસ્તા પરનું ટ્રાફિક અન્ય વૈક્લ્પિક રસ્તા પર ડાયવર્ટ કરવા દરખાસ્ત કરવામાં આવી છે. દેવકા તથા કુંભારિયા ગામ વચ્ચે નદી પર બનાવવામાં આવેલા ડાયવર્ઝન પરના તમામ વાહનો તથા પગપાળા જનાર વ્યક્તિઓને ટ્રાફિક ડાયવર્ટની આ વૈકલ્પિક વ્યવસ્થાને અનુસરી સહકાર આપવા અનુરોધ છે. મહત્વનું છે કે, વૈક્લ્પિક રૂટ તરીકે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
રાજુલા તથા ડુંગર વચ્ચેના ભારે વાહનોના ટ્રાફિકને ડુંગર ટી જંકશન – વિક્ટર રોડ – ભેરાઈ ચોકડી – રાજુલા રોડ પરથી પસાર થવાનું રહેશે. હળવા વાહનોએ કુંભારીયાથી રાજુલા જવા માટે કુંભારીયા-જોલાપર ગામ-રાજુલા રોડ પરથી પસાર થવું.
દેવકાથી મહુવા તથા જેસર તરફ જવા માટે દેવકા-નિંગાળા-મહુવા રોડ પરથી પસાર થવું. આ જાહેરનામું તા.૨૪ જૂન, ૨૦૨૨થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે
Recent Comments