અમરેલી

અમરેલીમાં ૩ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થતા ચકચાર

અમરેલીના ખંભાળીયા ગામે કરૂણાંતિક સર્જાઈ હતી. ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. ખેતરમાં પાણી નિકાલ માટેના ખાડામાં પગ લપસતાં મોત થયા હતા. જેના કારણે પરપ્રાંતીય આદિવાસી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ગામમાં મજૂરી અર્થે આવેલો પરિવાર મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઇ હતી. મૃતકોના નામ નિલેશભાઈ માનસિંગભાઈ પારધી (ઉં.વ.૧૦), સમીરભાઈ રાકેશભાઈ પારધી (ઉં.વ.૫) અને મીનાક્ષીબેન રાકેશભાઈ પારધી (ઉ.વ.૭) હોવાનું જાણવા મળ્યું છે. મજૂર પરિવારના સભ્યો આગળ જતા અને બાળકો પાછળ ચાલીને જતા હતા. આ દરમિયાન બાળકોના પગ લપસી જતા પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો પાછળ ચાલતા હોવાથી પરિવાર આ વાતથી અજાણ હતો. જ્યારે તેમને જાણ થઈ ત્યારે સ્થળ પર પહોંચીને રોકકળ અને દેકારો કરવા લાગ્યા હતા. જે બાદ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઇ હતી. ખાડામાં ડૂબી ગયેલા બાળકોને કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં માતા સ્ટ્રેચર પર મૃત અવસ્થામાં રહેલા બાળકને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જેના કારણે હોસ્પિટલનો માહોલ પણ ગમગીન થઈ ગયો હતો.

Related Posts