fbpx
ગુજરાત

યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ કરાતા અટકાયત

કોંગ્રેસની યુવા પાંખ અને વિદ્યાર્થી પાંખ દ્વારા સરકારની અગ્નિપથ યોજનાનો ગુજરાત યુનિવર્સિટી બહાર આવેલ વીર નર્મદના પૂતળા પાસે વિરોધ કરાયો હતો. કોંગ્રેસના કાર્યકરો સુત્રોચાર અને બેનર સાથે વિરોધ કરી રહ્યા હતા. યુથ કોંગ્રેસની માંગણી છે કે આ યોજના પરત લેવામાં આવે અને કાયમી ભરતી જાહેર કરવામાં આવે. રસ્તા પર પરવાનગી વિના વિરોધ કરતા કાર્યકરોને રોકવામાં આવ્યા હતા. પરંતુ કાર્યકરોએ વિરોધ ચાલુ રાખતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ હતી. જેમાં કેટલાક કાર્યકરોને ટીંગાટોળી કરીને પોલીસની ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ અન્ય કાર્યકરોને પોલીસે ત્યાંથી વિખેર્યા હતાં. ત્રણ દિવસ પહેલાં ગુજરાતમાં કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને અગ્નિપથ યોજના સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા અને યુવાનોના હિતમાં અગ્નિપથ યોજના પરત લેવાની માંગ સાથે ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ધરણા-વિરોધ પ્રદર્શન યોજાશે. ભારત સરકારને વિનંતી કરું છું કે જ્યાં લશ્કરની ભરતી થાય છે, ત્યાં ઉમેદવારોને રહેવાની, કુદરતી પ્રક્રિયા કરવાની કોઈ વ્યવસ્થા નથી હોતી આવા ઉમેદવારો રેલવે સ્ટેશન, દુકાનના ઓટલા કે ધર્મશાળામાં રોકાય છે.ભાજપના નેતાઓ પાછળ કરોડો રૂપિયાના તાયફાના બદલે સેના પર ખર્ચ કર્યા હોત તો આજે દેશની સરહદો સુરક્ષિત હોત.કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજના દ્વારા સશસ્ત્ર દળોમાં ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો દેશભરમાં વિરોધ થયો હતો. ત્યારે અમદાવાદમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરતાં યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

Follow Me:

Related Posts