ફરી એકવાર મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે આવશે
વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ શાસક ભાજપના નેતાઓના વધતા જતા સૌરાષ્ટ્ર પ્રવાસોની વચ્ચે આગામી રવિવારે મુખ્યમંત્રી વધુ એક વખત રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. અહીં વિશેષ ખાસ બાબત એ છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં ભળીને રૂપાણી મંત્રીમંડળમાં સ્થાન પામ્યા બાદ પડતા મૂકાયેલા કુંવરજી બાવળિયા અને ભાજપમાંના તેમના એક વખતના કટ્ટર હરિફ ડો.ભરત બોઘરાના વિસ્તાર જસદણ પંથકમાં જ મહાનુભાવોનો ઉપરાઉપરી બીજાે કાર્યક્રમ ગોઠવાયો છે. મુખ્યમંત્રી આ વખતે એક નાની સિંચાઈ યોજના સહિત ત્રણ પ્રકલ્પનાં ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત માટે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ઠેર ઠેર ભારે વરસાદની આગાહીને લઈને સરકારી તંત્ર સંભવિત કુદરતી આપત્તિને પહોંચી વળવા સજ્જ બની રહ્યું છે. એવામાં જસદણ તાલુકાનો મુખ્યમંત્રીનો પ્રવાસ અચાનક જ ગોઠવાયો છે, રાજકોટ જિલ્લાના વહિવટી તંત્રને તેની જાણ કરાતાં કાર્યક્રમને અંતિમ ઓપ આપવા માટે અધિકારીઓની બેઠક બોલાવીને સૂચનાઓ આપવામાં આવી હતી.સિંચાઈ યોજનાનાં સ્થળે રૂબરૂ પહોંચીને મુખ્યમંત્રી ભૂમિપૂજન કરશે, ત્યારબાદ ઘેલા સોમનાથ મંદિર નજીક ડાયસ ફંક્શન યોજાશે,
અહીં મંચ પરથી મુખ્યમંત્રીના હસ્તે આટકોટના એસ.ટી. બસ સ્ટેન્ડનું અને ગોડલાધાર માધ્યમિક શાળાનું ઇ-ખાતમુહૂર્ત પણ થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા વિના સીધા જસદણ પંથકમાં ઉતરાણ કરશે. મુખ્ય કાર્યક્રમ વીંછિયા તાલુકાની સોમપીપળિયા (ગોંડલાધાર) સિંચાઈ યોજનાના ભૂમિપૂજનનો રહેશે. ૩૨ એમસીએફટી સ્ટોરેજ કેપેસિટી ધરાવતી અને સ્થાનિક લોકોમાં પાન્યો સિંચાઈ યોજના તરીકે ઓળખાતી આ યોજના પાછળ ૪.૩૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આગામી ૧૮ મહિનામાં યોજના સાકાર થયે તેના થકી વિવિધ ગામોની કુલ ૨૨૨.૧૭ હેક્ટર ખેત જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ લાભ મળતો થશે. તેમજ કેટલાક ગામોનાં ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે એવો દાવો થઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ખાસ ચાર-પાંચ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનાં ભૂમિપૂજન માટે આવે એ વાત અન્યથા અચરજભરી મનાય. પરંતુ બદલાયેલાં સમીકરણો મુજબ જ્યારે ભાજપના સ્થાનિક નેતાનું કદ રાજ્યકક્ષાએ વધી ગયેલું છે ત્યારે તાજેતરમાં તેમનાં સંચાલનવાળી આટકોટ ખાતેની હોસ્પિટલનાં લોકાર્પણ માટે ખુદ વડાપ્રધાન આટકોટ આવી ગયા બાદ હવે ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રીની મુલાકાત ગોઠવાઇ હોવાથી રાજકીય વિશ્લેષકો તેને સૂચક ગણાવી રહ્યા છે.રાજકોટ જિલ્લાના રાજકીય એપી સેન્ટર જસદણ પંથકમાં આટકોટમાં વડાપ્રધાનની જાહેર સભા બાદ હવે મુખ્યમંત્રી વીંછિયા તાલુકાનાં ગામો માટેની નાની સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન કરવા આવશે. જસદણ-વીંછિયા બેઠક પર ભાજપના બે બળિયા બોઘરા કે બાવળિયાને મજબૂત કરવા ભાજપે કવાયત હાથ ધર્યાની ચર્ચા થઇ રહી છે. રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીંછિયાના સોમપીપળીયામાં જાહેર સભા પણ સંબોધશે.
Recent Comments