સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરમાં એક મહિનામાં ૧૪૦ લોકોએ ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સમસ્યાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ નિયમોનો ભંગ કરીને વાહનચાલકો બેફામ વાહનો ચલાવતા અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. પરિણામે ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ. સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના હેન્ડલુમ ચોક, ટાવર રોડ, જવાહર રોડ, ટાંકી ચોક, પતરાવાળી તેમજ જાેરાવરનગર અને રતનપર, ગેબનશાપીર સર્કલ, એપીએમસી ચોકડી, ઉપાસના સર્કલ, બસ સ્ટેશન, આર્ટ્‌સ એન્ડ સાયન્સ કોલેજ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી. જૂન-૨૦૨૨ એટલે કે છેલ્લાં એક માસમાં દરરોજ ૧૪૦થી વધુ લોકો ઝપટે ચડ્યા હતા.

જેમા જુદા જુદા નિયમોનો ભંગ કરતા ૪૦૩૫ લોકોને હાજર દંડ રૂ. ૧૨,૮૦,૧૦૦ કરાયો હતો. આ ઉપરાંત ૨૫ જેટલા વાહનચાલકોના વાહન ડિટેઇન કરીને ૧,૫૫,૦૦૦નો દંડ વસૂલાયો હતો. જ્યારે જાહેરમાં તમાકુના નિયમોનું ભંગ કરતા ૨૪ લોકો પોલીસને હાથ લાગતા તેમને રૂ. ૨૪૦૦નો દંડ કરાયો હતો. આ ઉપરાંત દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાના -૪, ટ્રાફિકને અડચણરૂપ લારી, રિક્ષા, પાથરણાવાળા વગેરે જેવા ૧૧૮ કેસ તેમજ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવનાર ૪ લોકો સામે કેસ કરાયા હતા. આમ છેલ્લાં એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ ૪૨૧૪ લોકો ઝપટે ચડતા રૂ. ૧૪,૪૭,૨૦૦નો દંડ કરાયો હતો.સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં જૂન-૨૦૨૨ના માસમાં ૨૫ વાહન ડિટેઇન કરીને જુદા જુદા નિયમોના ભંગના ૪૨૧૪ લોકો સામે કેસ કરીને રૂ. ૧૪.૪૭ લાખનો દંડ વસૂલાયો હતો.

Related Posts