નેપાળના પ્રધાનમંત્રીએ દ્રૌપદી મુર્મૂને આપી શુભેચ્છા
દ્રૌપદી મુર્મૂની જીત પર નેપાળના પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાએ શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કર્યુ- મને વિશ્વાસ છે કે નેપાળ અને ભારત વચ્ચે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધ આવનારા દિવસોમાં નવી ઉંચાઈને જાેશે. ધર્મગુરૂ દલાઈ લામાએ પણ મુર્મૂને શુભેચ્છા આપી છે. તેમણે કહ્યું કે, તમે એવા સમયમાં ઉંચા પદને સંભાળી રહ્યાં છે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતના મહત્વ વિશે વધુ જાગરૂકતા આવી છે. સ્વતંત્રતાના ૭૫મા વર્ષમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ભારત ગણરાજ્યના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચી દીધો છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને મોટા અંતરથી પાછળ છોડતા જીત મેળવી છે. મત ગણનાના ત્રીજા રાઉન્ડમાં તેમણે જીત માટે જરૂરી બહુમતનો આંકડો પાર કરી લીધો હતો. આંકડાથી સ્પષ્ટ છે કે વિપક્ષના આશરે ૧૭ સાંસદો સિવાય મોટી સંખ્યામાં ધારાસભ્યોએ દ્રૌપદી મુર્મૂના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું છે. જીત માટે જરૂરી મતનો આંકડો પાર કરતા મુર્મૂને લોકો શુભેચ્છા આપી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા તેમના નિવાસ પર જઈને શુભેચ્છા આપી અને ટ્વીટ કરતા કહ્યું કે, ૧.૩ અબજ ભારતીય આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યાં છે, ત્યારે પૂર્વી ભારતના એક અંતરિયાળ વિસ્તારમાં જન્મેલા આદિવાસી સમુદાયના ભારતના એક પુત્રી આપણા રાષ્ટ્રપતિ બન્યા છે.
પીએમ મોદીએ કહ્યુ કે ભારતે ઈતિહાસ રચી દીધો છે અને મુર્મૂનું જીવન એક પ્રેરણા છે. સંસદ ભવન પરિસરમાં ચોથા રાઉન્ડની ગણતરી બાદ મુર્મૂની જીતની જાહેરાત થઈ હતી. રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ કહ્યુ- પરિણામની જાહેરાત સાથે રાષ્ટ્રપતિ ચૂંટણી સંપન્ન થઈ ગઈ. ચૂંટણીમાં ૪૭૫૨ મત પડ્યા, જેમાંથી ૪૭૦૧ મત માન્ય અને ૫૩ મત અમાન્ય જાહેર થયા. રાષ્ટ્રપતિ ચૂંટાનાર ઉમેદવાર માટે ૫,૨૮,૪૯૧ મત જરૂરી હતા. દ્રૌપદી મુર્મૂને પ્રથમ વરીયતાના ૨૮૨૪ મત મળ્યા જેની વેલ્યૂ ૬,૭૬,૮૦૩ છે. તો વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને ૩૬ ટકા મત મળ્યા છે. યશવંત સિન્હાને કુલ ૧૮૭૭ મત મળ્યા, જેની વેલ્યૂ ૩૮૦૧૭૭ રહી. આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમ એવા રાજ્ય રહ્યાં જ્યાં યશવંત સિન્હાને એકપણ મત મળ્યો નહીં.
Recent Comments