૨૩ વર્ષ પહેલાની જીત પર કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે
દેશ આજે કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. ૨૩ વર્ષ પહેલા આજના દિવસે ભારતે પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપીને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. દર વર્ષે ૨૬ જુલાઈનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે. કારગિલ યુદ્ધને ૨૩ વર્ષ વીતી ગયા છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતીય સેનાની સાથે જમ્મુ-કાશ્મીરની દ્રાસ ખીણના લોકોએ પણ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને પાકિસ્તાનને પાઠ ભણાવવામાં મદદ કરી હતી. આ એ જ લોકો હતા જેમને આપણે નાગરિક સૈન્ય કહીએ તો પણ કઈ ખોટું નહીં હોય.
આજે અમે કારગિલ વિજય દિવસના અવસરે એવા જ બે નાગરિકોની વાત કરીશું જેમણે ભારતીય સેનાને સાથ આપીને આ યુદ્ધ જીતાડવામાં મદદ કરી હતી. તેમણે ભલે હથિયાર નહતા ઉપાડ્યા પણ યુદ્ધમાં તેમની ભૂમિકા કોઈ જવાનથી જરાય ઓછી નહતી. જમ્મુ કાશ્મીરની દ્રાસ ખીણથી આઠ કિલોમીટર દૂર ટાઈગર હિલ પાસે વસેલી મશકુ ઘાટીમાં રહેતા યાર મોહમ્મદ ખાને જ ભારતીય સેનાને પાકિસ્તાનની નાપાક હરકત વિશે પહેલી ખબર આપી હતી. ૬૫ વર્ષના યાર મોહમ્મદ પહેલા રહીશ હતા જેમણે સેનાને એ વાતથી માહિતગાર કરી હતી કે ટોચ પર પાકિસ્તાની સેનાની હરકત જાેવા મળી રહી છે. આ સાથે જ તેમણે પુરાવા પણ આપ્યા હતા. યાર મોહમ્મદે સેનાના કમાન્ડરને બે સિગરેટના પેકેટ પણ દેખાડ્યા હતા જે પાકિસ્તાનની બનાવટના હતા.
યાર મોહમ્મદે ૮ મેના રોજ પાકિસ્તાની સેનાની હરકત વિશે ભારતીય સેનાને સૂચિત કરી હતી. આ ઉપરાંત યાર મોહમ્મદ ખાને દ્રાસ પહોંચેલી ભારતીય સેનાના આઠ શીખ અને ૧૮ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની સાથે ટાઈગર હિલ અને બત્રા ટોપને જીતવામાં મદદ કરી. તેમણે પહેલીવાર દ્રાસ ઘાટી પહોંચેલા જવાનોને આ બંને હિલ પર જવા માટે ગાઈડ કર્યા અને ભારતીય સેનાએ આ બંને પિક ટોપને જીતી હતી. જ્યારે દ્રાસ ખીણમાં યુદ્ધ શરૂ થયું તો તમામ લોકોને ત્યાંથી નીકળી જવાના આદેશ અપાયા હતા. ભારતીય સેનાના જવાનો ઉપરાંત બહું ઓછા લોકો ત્યાં બચ્યા હતા અને દ્રાસ ઘાટીમાં રહેતા નસીમ અહેમદ તેમાના એક હતા.
નસીમ અહેમદની દ્રાસ બજારમાં નાનકડી દુકાન હતી. તે ઢાબા જેવી દુકાનમાં નસીમ બારુદ વચ્ચે દ્રાસમાં રહેતા ભારતીય સેનાના જવાનોને ભોજન પૂરું પાડતા રહ્યા. આ બે નાગરિકો ઉપરાંત દ્રાસ અને કારગિલમાં દેશની આન બચાવવા માટે અનેક યુવકોએ પોત પોતાની રીતે યુદ્ધમાં સક્રિય ભૂમિકા ભજવી. દર વર્ષે ૨૬ જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે. વર્ષ ૧૯૯૯માં પાકિસ્તાની આતંકવાદીઓ અને સૈનિકો ઘૂસણખોરો સ્વરૂપે ચોરીછૂપે કારગિલની પહાડીઓમાં ઘૂસી ગયા હતા.
આ ઘૂસણખોરી વિરુદ્ધ ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યું અને એક એક ઘૂસણખોરને મોતને ઘાટ ઉતારી દીધા હતા કે ભાગવા માટે મજબૂર કર્યા હતા. ૨૬ જુલાઈ ૧૯૯૯ એ જ દિવસ હતો જ્યારે ભારતીય સેનાએ કારગિલની પહાડીઓને ઘૂસણખોરોના કબજામાંથી સંપૂર્ણ રીતે છોડાવી લીધી હતી અને ઓપરેશન વિજય સંપૂર્ણ રીતે સફળ થયું હોવાની જાહેરાત કરી હતી. કારગિલ યુદ્ધને ૨૩ વર્ષ વીતી ગયા અને આ વર્ષે આપણે કારગિલ વિજય દિવસની ૨૪મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ.
Recent Comments