માદક દ્રવ્યોના સેવનને કારણે બનેલી ઘટના દુઃખદ છે અને સરકાર આ બાબતે સંવેદનશીલતાથી કાર્ય કરી રહી છે – શિક્ષણ મંત્રી
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં રોજીદ ગામમાં માદક દ્રવ્યોના સેવન કરવાને કારણે આ બંને
જિલ્લાના ઘણાં લોકો અસરગ્રસ્ત થયાં છે. તેમને તાત્કાલિક ધોરણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં વધુ
સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા તુરંત પગલાં લેવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા બરવાળા અને
ધંધુકા તાલુકામાં આ પીણાના સેવનને કારણે અસરગ્રસ્ત થયેલાં લોકોને શોધી-શોધીને વધુ સઘન સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
આ ઘટનાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાને પગલે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી
જીતુભાઈ વાઘાણીને તાત્કાલિક હવાઈ માર્ગે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે આ દર્દીઓની સઘન સારવાર થાય અને તરત બધી
વ્યવસ્થાઓ ગોઠવાય અને આ કિસ્સામાં જવાબદાર માદક દ્રવ્યોનું વેચાણ કરનારા અને તેનો પુરવઠો પૂરો પાડવારા તથા જવાબદાર
અધિકારીઓને સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આજે બપોરે ભાવનગર ખાતે આવેલી સર ટી.
હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ડાયાલિસિસ પર રહેલા ગંભીર દર્દીઓ અને અન્ય દર્દીઓની તેમના વોર્ડમાં જઈને મુલાકાત લીધી
હતી.
તેમણે દર્દીઓ અને દર્દીના સ્વજનો પાસેથી ઘટનાની વિગતો જાણી હતી અને રાજ્ય સરકાર તમારી પડખે ઊભી છે. તમારે કોઈ ચિંતા
કરવાની જરૂર નથી, તેવી હૈયાધારણ આપી હતી.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલે સર ટી. હોસ્પિટલની મુલાકાત બાદ મીડિયા સાથેના વાર્તાલાપમાં આ ઘટનાની વિગતો આપતાં
જણાવ્યું કે, આ ઘટનાને પગલે કુલ- ૭૮ લોકોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં
આવ્યાં છે. જેમાંથી ૨૫ લોકોના મૃત્યુ આરોગ્ય વિભાગ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યાં છે અને બે દર્દીઓના તપાસને અંતે મૃત્યુ પામ્યાં છે. તે કેવી
રીતે મૃત્યુ પામ્યાં તે તપાસ બાદ ખબર પડશે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે, આ ઘટના દુઃખદ છે અને તેની ગંભીરતા ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા
આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગની ટીમો ધંધુકા અને બરવાડા તાલુકામાં સક્રિય રીતે કાર્યરત કરી દેવામાં આવી છે અને આ ટીમો દ્વારા આ
તાલુકાના ગામમાં અસર પામેલાં લોકો, તે ઉપરાંત ડરને કારણે વાડીએ જતાં રહેલાં અથવા તો સામેથી બહાર ન આવતાં લોકોને ત્વરિત આરોગ્ય
વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરી તાત્કાલિક સારવાર લેવાં અપીલ કરી હતી. જેથી કરીને મૃત્યુની વધુ ઘટના નિવારી શકાય.
આરોગ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ બનાવને પગલે આરોગ્ય વિભાગની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી અને અમદાવાદથી
ડાયાલિસિસ તથા નેફ્રોલોજીસ્ટ સાથેની ટીમ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે તાત્કાલિક અસરથી મોકલી આપવામાં આવી હતી. એમને
તાત્કાલિક સારવાર શરૂ કરી છે જેને લીધે અનેક લોકોના જીવ બચાવી શકાયા છે.
આ અંગે એફ.એસ.એલ. વધુ તપાસ કરી રહી છે અને તેનો રિપોર્ટ આવ્યાં બાદ આ પીણામાં શું હતું તેની જાણકારી ઉપલબ્ધ થશે.
હોસ્પિટલમાં ડાયાલિસિસની મદદથી દર્દીઓના લોહીને શુદ્ધ કરવામાં આવી રહ્યું છે ડાયાલિસિસથી લોહીમાં રહેલા ઝેરી તત્વોને
અલગ કરી શકાય છે. તેથી દર્દીઓનું જીવન બચાવી શકાશે. આ માટે જરૂર પડશે તો વધુ ડાયાલીસીસ મશીનોની પણ વ્યવસ્થા કરવામાં આવશે
તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના આદેશથી પ્રતિનિધિ તરીકે અમે બંને મંત્રીઓ અત્યારે આ મુલાકાતે
આવ્યાં છીએ. આ ઘટના ગંભીર છે. ચિંતા કરનારી છે. રાજ્ય સરકાર આ બાબતે ચિંતિત અને સજાક છે. દુઃખદની આ ઘડીમાં રાજ્ય સરકાર
મૃતક તેમજ સારવાર લઇ રહેલ દર્દીઓના સ્વજનોની પડખે ઊભી છે.
તપાસમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે હાઈ પાવર કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ
આવી ઘટના ન બને તે માટે પણ રાજ્ય સરકાર ચિંતિત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની સતર્કતાને કારણે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને
તેમને ઉચ્ચ કક્ષાની સારવાર આપવામાં આવી રહી છે જેના લીધે મૃત્યુ આંક ઘટાડી શકાયો છે. અન્યથા આ આંક ઘણો મોટો પણ થઇ શક્યો હોત.
આપણે રાજ્ય સરકારની ત્વરિતતા અને સતર્કતાને કારણે તેમાંથી બચી ગયાં છીએ.
તેમણે અસરગ્રસ્ત લોકો કે જેઓ હજુ વાડી વિસ્તારમાં જતાં રહ્યાં છે અથવા તો સામેથી બહાર નથી આવી રહ્યાં તેવાં લોકોને પણ
સામેથી બહાર આવી તંત્રનો સંપર્ક કરવાં અને ગભરાયાં વગર સારવાર લે તે માટેની અપીલ કરી છે.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ માટે ૬૦૦ લીટરનો જથ્થો વપરાશમાં લેવાયો હોવાનું જાણવાં મળ્યું છે. જેમાંથી ૪૫૦ લીટરનો
જથ્થો પકડી લેવામાં આવ્યો છે. હવે જો આ જથ્થો પણ બજારમાં જતો રહ્યો હોત તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત તે વિચાર પણ કમકમાટી
ઉપજાવે તેવો છે.
શિક્ષણ મંત્રીશ્રીએ મીડિયાની ભૂમિકાની પણ સરાહના કરતાં જણાવ્યું કે, મીડિયાની સતર્કતાને કારણે આ ઘટના ઉજાગર થઈ છે. તેમની
સક્રિયતાને કારણે લોકો સામેથી સારવાર લેવાં આવ્યાં છે. જેના લીધે આ ઘટનાની અસરકારકતાને ઘણા અંશે ઓછી કરી શકાઇ છે. આ માટે
તેમણે મીડિયાને અભિનંદન આપ્યાં હતાં.
આ ઘટના ગંભીર છે અને તપાસ કરીને જે પણ હશે તે તથ્ય બહાર લાવવામાં આવશે. સરકારની સતર્કતાને લીધે ઘણાં બધાં લોકોના
જીવ બચાવી શકાઇ છે. આ દુઃખદ ઘટના છે. રાજનીતિનો વિષય નથી. રાજ્ય સરકાર આ વિપતની ઘડીમાં લોકોની પડખે ઊભાં રહીને મદદ
કરવા તત્પર છે. આ માટે હાઈ પાવર કમિટીની પણ રચના કરવામાં આવી છે અને તે ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે.
શિક્ષણ મંત્રીશ્રી વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં કોઈપણ કસૂરવારને છોડવામાં આવશે નહીં. તેમની સામે સખત પગલાં લેવામાં
આવશે.
આ મુલાકાત વખતે તેમની સાથે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, ભાવનગરના મેયર શ્રીમતી કીર્તિબેન
દાણીધારીયા, ભાવનગર કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, બોટાદ કલેક્ટર શ્રી બીજલ શાહ, રેન્જ
આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, એ.એસ.પી.શ્રી સફિન હસન, સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી
ડો. જયેશ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ.શ્રી તુષાર આદેશરા સહિતના અધિકારીઓ અને ડોક્ટરો સાથે રહ્યાં હતાં.
Recent Comments