જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં આગામી તા.૧૫મી ઓગષ્ટની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઇ
આગામી તા.૧૫મી ઓગષ્ટ, ૨૦૨૨ની સ્વાતંત્ર્ય દિનની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી પારેખ કોલેજ, ભાવનગર ખાતે યોજાનાર છે તેમ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ આજે યોજાયેલ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.જિલ્લાં કલેકટરશ્રીએ આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતેનાં આયોજન હોલ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે તેનો ઉમંગ અને ઉત્સાહ અનેરો છે. આ સાથે તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના ઉજાગર થાય તે માટે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે સમગ્ર ભાવનગરમાં તેની ઉલ્લાસભેર ઉજવણી થાય તે માટેનું માર્ગદર્શન તેમણે આ બેઠકમાં આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસ કચેરી, રાજય પોલીસ અનામત દળ, પ્રાંત અધિકારી કચેરી, આરોગ્ય શાખા, રેવન્યૂ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ(રાજય અને પંચાયત), શિક્ષણાધિકારીશ્રીની કચેરી, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, રમત-ગમત અધિકારીની કચેરી, પી.જી.વી.સી.એલ., તાલુકા વિકાસ અધિકારીની કચેરી, ચીફ ઓફિસરશ્રીની કચેરી, પુરવઠા અધિકારીની કચેરી, જિલ્લા રજીસ્ટ્રારની કચેરી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જેવી મહત્વની કચેરીઓની કામગીરીની સમીક્ષા કરી હતી.
આ કચેરીઓ દ્વારા કરવામાં આવનાર કામગીરીની રૂપરેખા જે-તે વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. ઉજવણી માટે જિલ્લા કલેકટરશ્રીએ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવશે. તેમજ કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, એ.એસ.પી.શ્રી સફિન હસન, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે. પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લાનાઅમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments