વિડિયો ગેલેરી

મહેસાણામાં સાબરમતી ગેસ કંપનીએ ઘરેલુ ગેસમાં યુનિટે રૂ. ૨૪નો ભાવવધારો કર્યો

મહેસાણા શહેરમાં ઘેર ઘેર પીએનજી ગેસ પૂરો પાડતી સાબરમતી ગેસ કંપનીએ ગ્રાહકોને કોઇપણ જાતની જાણ કર્યા વિના જ યુનિટે રૂ.૨૪નો તોતિંગ વધારો ઝીંકી દેતાં હોબાળો મચી ગયો છે. તાજેતરમાં યુનિટના રૂ. ૩૯થી સીધા જ રૂ.૬૩ કરી ગ્રાહકોને ગેસ વપરાશના બિલ અપાતાં રાબેતા મુજબ વપરાશ છતાં બમણી રકમનું બિલ જાેઇ ગ્રાહકો સાબરમતી ગેસ કંપનીની ઓફિસે પૂછપરછ કરવા દોડી જાય છે. પરંતુ અહીં પણ ફરજ પરના કર્મચારી ગ્રાહકને સંતોષકારક જવાબ આપવાને બદલે હેડ ઓફિસનો લેન્ડલાઇન નંબર પકડાવી દેવામાં આવે છે.

આ લેન્ડ લાઇન નંબર ઉપર સંપર્ક કરવામાં આવે તો મેનેજર બહાર છે, પછીથી સંપર્ક કરીશું તેવા જવાબ આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવામાં આવતાં હોઇ સાબરમતી ગેસ કંપનીના ગ્રાહકો સાથે થઇ રહેલા વ્યવહાર સામે રોષ ભભૂકી ઊઠ્‌યો છે અને આ બાબતે ખુલાસો કરવામાં નહીં આવે તો કચેરીને તાળાબંધી કરવા સુધીની તૈયારી હોવાનો આક્રોશ ગ્રાહકોએ વ્યક્ત કર્યો છે. હેસાણા શહેરમાં સાબરમતી ગેસ કંપની અંગેના બિલ, નવા જાેડાણ સંબંધિત ફરિયાદોમાં ગ્રાહકો નાગલપુર રોડ સ્થિત કંપનીની ઓફિસે ચક્કરો લગાવી રહ્યા હોવા છતાં ફરિયાદોનો નિકાલ ન થતાં તોબા પોકારી ઉઠ્‌યા છે.

સંતોષકારક જવાબ પણ મળતો નથી. વળી મિકેનિકલ બ્રાન્ચ અમદાવાદ હોઇ ત્યાં સંપર્ક કરવાનું કહી ગ્રાહકોથી છુટકારો મેળવી લે છે. શહેરમાં સાબરમતી ગેસ લાઇનથી ઘરેલુ ગેસ જાેડાણ મેળવવા છેલ્લા ૧૫ દિવસથી નાગલપુર રોડ ઓફિસે ગ્રાહકો ચક્કર લગાવી રહ્યા છે. જ્યાં હાલ કંપનીથી નવા જાેડાણ આપવાનું બંધ કરાયેલું હોવાનો જ જવાબ મળી રહ્યો છે. ક્યારથી નવા જાેડાણ અપાશે તેવો નક્કર જવાબ પણ મળતો ન હોવાની રાડ છે. વળી ગેસ જાેડાણ પછી ઘરેલુ વપરાશ ચાલુ થયાના ૪ મહિના પછી પણ મીટર રીડિંગ લેવા આવતાં નથી એટલે ૪ મહિનાથી વધુ સમય વિતવા છતાં બિલ પણ આપતા નથી.

બિલ ભરવાની સામે પગલે તૈયારી દર્શાવતાં ગ્રાહક સંપર્ક કરે તો પણ મિકેનિકલ વિભાગનો ટેલીફોનિક સંપર્ક કરો તેમ કહી છટકી જાય છે. પછી એક સાથે ૬ મહિનાનું બિલ ફટકારી મોટી રકમ ગ્રાહકના માથે થોકી બેસાડવામાં આવતી હોવાની રાડ ઉઠી છે. કંપની, એજન્સી અને મિકેનિકલ વિંગના આંતરિક સંકલનના અભાવે ગ્રાહકો હેરાન થઇ રહ્યા છે. મહેસાણા ઓફિસે કંપનીના જવાબદાર અધિકારીના અભાવે બિલમાં કેટલો અને ક્યારે વધારો આવ્યો તે અંગે જાણવામાં પણ પૂરતી માહિતી ગ્રાહકોને મળતી ન હોઇ ઓફિસ માત્ર ફરિયાદો સાંભળવા પૂરતી જ હોવાનું લાગી રહ્યું છે.

Related Posts