મૂળ વિદ્યાનગરના પરંતુ હાલમાં લંડન ખાતે રહેતા પન્નાબેન ઉર્ફે દિવ્યાબેન હિતેશભાઈ શર્માએ વર્ષ ૨૦૧૧માં બાકરોલ ગામની બીનખેતીલાયક જમીન તથા મકાન ૫૭.૫૬ લાખમાં સુનીલભાઈ પટેલના પાવર ઓફ એટર્ની સમીરભાઈ પટેલ પાસેથી રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. વર્ષ ૨૦૧૯માં મહિલા અને તેમના પતિ બાકરોલ આવ્યા હતા અને ભવિષ્યના રોકાણ માટે પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા હોય મકાન મોર્ગેજ કરીને તેના પર બીજી લોન લેવાની તજવીજ હાથ ધરી હતી. તેઓ વિદેશમાં રહેતા હોય બેંકો તરફથી સહકાર મળતો નહોતો.
દરમિયાન, પુત્રી જાનવીએ ઓડ ખાતે રહેતા મૌલિક દરજીનો નંબર મળતા તેના પર સંપર્ક કરીને લોન મેળવવા મદદ કરવા જણાવ્યું હતુ. મૌલિકે કેતન પટેલ નામના વ્યક્તિની બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર તરીકે ઓળખાણ કરાવીને ફોન પર વાત કરાવી હતી. મૌલિકે વિશ્વાસમાં લઈ મિલ્કતનો પાવર ઓફ એટર્ની માંગ્યો હતો. જેથી પન્નાબેને તેના પર વિશ્વાસ મૂકીને પાવર ઓફ એટર્ની કરી આપ્યો હતો. ત્યારબાદ તેઓ લંડન જતા રહ્યા હતા. બીજી તરફ ૧૯મી ઓગસ્ટના રોજ પન્નાબેન અને તેમના પતિના જાેઈન્ટ એકાઉન્ટમાં રૂપિયા ૪૦ લાખ જમા થયાનો મેસેજ આવતાં જ આવતાં તેમણે મૌલિકને જાણ કરી હતી અને કઈ બેંકમાંથી લોન મળી તેમ પૂછ્યું હતું.
પરંતુ તેણે કંઈ જવાબ આપ્યો નહોતો. સમગ્ર મામલે વર્ષ ૨૦૨૦માં તેઓ પરત આણંદ આવતાં તપાસ કરી હતી. જેમાં મૌલિકે પાવર ઓફ એટર્નીના આધારે મકાન મુંબઈના મલાડ ખાતે રહેતા દિવ્યેશ રમણ પટેલને ૫૭.૫૬ લાખમાં વેચી માર્યુ હોવાનું ખુલ્યું હતું. વેચાણ દસ્તાવેજમાં સલમાન વ્હોરાએ સહી કરી હતી. તેમના મકાનમાં અજાણ્યા પુરૂષો રહેતા હતા. જેમણે તેમને ધમકી આપતા તેમણે કલેક્ટર કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, છેલ્લાં ૧૩ દિવસમાં બીજા એનઆરઆઈની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે. વર્ષ ૨૦૨૧માં પન્નાબેન જ્યારે તેમના મકાને ગયા ત્યારે એક બહેન, બાળકો તેમજ બીજા ત્રણ પુરૂષો હતા. જેમણે ભેગા થઈને ઘર છોડી દેવાની નહીં તો કેરોસીન છાંટી દેવાની ધમકી આપી હતી. જેથી ડરના માર્યા પન્નાબેન ત્યાંથી નીકળી ગયા હતા.


















Recent Comments