બોલિવૂડ

પ્રણિતા સુભાષે ટ્રોલર્સને આપ્યો જવાબ, હું સનાતન ધર્મમાં માનું છું…

સાઉથની અભિનેત્રી પ્રણિતા સુભાષ પોતાના અભિનય માટે જાણીતી છે, તે અભિનય સિવાય અન્ય મુદ્દાઓ પર પણ તેમનો દ્રષ્ટિકોણ વ્યક્ત કરતી હોય છે. હાલ તે કેટલીક તસવીરોને લઇને ચર્ચામાં આવી ગઇ છે. પ્રણિતા સુભાષે થોડા દિવસ પહેલા પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે પતિ નીતિન રાજુના ચરણોમાં બેઠેલી જાેવા મળી હતી. આ ફોટોઝ સામે આવ્યા બાદ કેટલાક યૂઝર્સ ગુસ્સે ભરાયા હતા અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલા આ ફોટોઝમાં પ્રણિતા સુભાષ પોતાના પતિ નીતિન રાજુના ચરણોમાં બેસીને તેમની પૂજા કરી રહી છે.

આ ફોટા ભીમ અમાસની ઉજવણી સમયે શેર કર્યા હતા. ભીમના અમાસના દિવસે મહિલાઓ પોતાના પતિ અને ઘરના અન્ય પુરુષોના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. ફોટામાં તેના હાથમાં આરતીની થાળી જાેવા મળે છે અને તે પતિના પગની આરતી ઉતારી રહી છે. તેણે તેને ફૂલ પણ ચઢાવ્યા છે. આ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ થયો છે. ઘણા યુઝર્સ આને રૂઢીચુસ્ત ગણાવી રહ્યા છે. ટ્રોલ થયા બાદ પ્રણિતાએ ઇન્ટરવ્યૂમાં આ બાબતે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, જીવનમાં દરેક વસ્તુની બે બાજુ હોય છે. આ મામલે ૯૦ ટકા લોકોએ સારી વાતો કહી છે.

જ્યારે બીજાને હું ઇગ્નોર કરું છું. તેણે વધુમાં જણાવ્યું કે, હું અભિનેત્રી છું અને મારું ક્ષેત્ર ગ્લેમર માટે પ્રખ્યાત છે, તેનો અર્થ એ નથી કે હું કોઈ રિવાજાેનું પાલન ન કરી શકું, હું પરંપરા જાેઈને મોટી થઈ છું અને તેમાં સંપૂર્ણ વિશ્વાસ કરું છું. મારા બધા પિતરાઇઓ, પડોશીઓ અને મિત્રોએ તેનો અમલ કર્યો છે. ગયા વર્ષે મારા લગ્ન થયા ત્યારે પણ મેં પૂજા કરી હતી. પરંતુ તસવીરો શેર કરી નહોતી. તેણે ઉમેર્યું હતું કે, આ મારા માટે નવું નથી. હું હંમેશાં ટ્રેડિશનલ રહી છું. મને પરિવાર, તેના મૂલ્યો અને રિવાજાેને અનુસરવા ગમે છે. મને હંમેશાં ઘરેલું અને સંયુક્ત કુટુંબમાં રહેવું ગમે છે. સનાતન ધર્મ ખૂબ જ સુંદર છે અને દરેકને અપનાવે છે. હું તેમાં માનું છું. વ્યક્તિ મોડર્ન ભલે હોય પણ એનો અર્થ એ નથી કે તમે પોતાના મૂળ ભૂલી જાય.

તેને પૂછવામાં આવ્યું કે, શા માટે ફક્ત સ્ત્રીએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરવી પડે છે? પતિ પોતાની પત્ની માટે પણ આવું જ કરી શકે છે. આ અંગે પ્રણિતા સુભાષે કહ્યું હતું કે, આવી વાત કરવી જ ન જાેઈએ. આપણે બધા એકબીજાના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરીએ જ છીએ. અહીં ઉલ્લેખનીય છે, પ્રણિતા સુભાષે બિઝનેસમેન નીતિન રાજુ સાથે ૩૦ મે ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા. આ વર્ષે તેમને બાળક થયું હતું. પ્રણિતાએ દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેણે આર્ના રાખ્યું છે. પ્રણિતા તેલુગુ ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે. તેણે ફિલ્મ ‘હંગામા ૨’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

Related Posts