રાજ્યમાં હાલ નારી વંદન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે નડિયાદની દીકરીઓએ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, નડિયાદી મધર કેર સ્કૂલમાં ભણતી સાક્ષી પટેલ અને તુલસી બ્રહ્મભટ્ટે ખેલમહાકુંભમાં વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૨૨ સુધી કરાટેની સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાસલ કરી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ બન્ને દિકરીઓએ કરાટે શીખવાની શરૂઆત માત્ર પોતાના આત્મરક્ષણ માટે કરી હતી. ત્યારબાદ મધર કેર સ્કૂલ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન ખેલમહાકુંભમાં કર્યું હતું. જેમાં તુલસી અને સાક્ષીએ પ્રથમ ક્રમ મેળવી સમગ્ર નડિયાદનું ગૌરવ વધાર્યું છે.
આ દીકરીઓએ ૨૦૧૬થી ૨૦૨૨ સુધી ખેલમહાકુંભની પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. મારા જન્મ માટે હું મારા માતા પિતાની રૂણી છું પણ મને જીવનની કેળવણી મળી તેના માટે હું મારા ગુરુનો આભાર માનું છું. સાક્ષી ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આતિથ્ય પાર્ક સોસાયટીમાં રહે છે. સાક્ષી તેના ગુરુ રાજ વિષે જણાવતા કહે છે કે, રાજ સર “રાજ માર્શલ આર્ટ એકેડેમી” વડોદરામાં ચલાવે છે, અને ફક્ત કરાટે શીખવાડવા માટે તેઓ નડિયાદ આવે છે. પ્રારંભિક તબક્કે નડિયાદમાં “રાજ માર્શલ આર્ટ એકેડેમી” માં ઘણા વિદ્યાર્થીઓ હતા.
સમય જતા ફક્ત તુલસી અને હું જ બચ્યા, પરંતુ સરે અમને શીખવાડવાનું બંધ ના કર્યું અમને બે વિદ્યાર્થીઓને ભણાવવવા માટે તેઓ વડોદરાથી નડિયાદ આવતા. વધુમાં સાક્ષી કહે છે કે, સાહેબે ફીસ બાબતે અમને ક્યારેય ફોર્સ કર્યો નથી અને આજે હું કરાટેમાં ઓરેન્જ બેલ્ટ ધરાવું છુ તે ફક્ત રાજ સરના કારણે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લક્ષ્મીકુજ સૌસાયટીમાં રહેતી તુલસીએ માત્ર ૧૬ વર્ષની ઉમરે ઘણા બધા મેડલ હાંસલ કર્યાં છે.
તુલસીની માતા અર્ચનાબેન પોતે એક ગૃહણી છે. બાળપણમાં તેઓને સ્પોર્ટ્સમાં “દોડ”માં ખૂબ આગળ વધવાની ઈચ્છા હતી પણ કોઈ કારણસર તેઓ આગળ વધી શક્યા ન હતા .તેમને લગ્ન પછી નક્કી કર્યું કે તેમને તેમની દીકરી તુલસીને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધારવી છે. તેઓ પોતે ભાડાના ઘરમાં રહી તુલસીના સ્પોર્ટ્સ અને ભણતર પર વધુ ખર્ચ કર્યો છે. તુલસી હાલ મધર કેર સ્કૂલમાં અભ્યાસ કરે છે.
અભ્યાસમાં પણ તે ખુબ સારા માર્ક્સથી ઉત્તીણ થાય છે તેમ અર્ચનાબેને જણાવ્યું છે. તે ભારત માતાની સેવા કરવા ઇન્ડિયન આર્મીમાં જવાની ઈચ્છા ધરાવે છે, તેમજ ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવો એ દ્રઢ સંકલ્પ છે. હાલમાં જ ૨૫ એપ્રિલ ૨૦૨૨ ના રોજ અંડર ૧૭ મહિલા ૪૫ કિલોગ્રામની કેટેગરીમાં ભારતની દીકરીએ શ્રીલંકા તથા નેપાળના ખેલાડીઓને હરાવી ભારત માટે ફર્સ્ટ પ્રાઈઝ હંસલ કર્યું.
તુલસીએ દુબઈમાં “ફસ્ટ પ્લે ફોર પીસ કરાટે ટ્રેનિંગ અને ચેમ્પિયનશીપ” માં કરાટેની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાસલ કરી ભારતનું અને નડિયાદનું નામ રોશન કર્યું છે. તુલસીએ પોતાની કરાટેની શરૂઆત આત્મરક્ષા માટે કરી હતી પણ હવે તે પોતાનું જીવન દેશની રક્ષા કરવા સમર્પિત કરવા માંગે છે.



















Recent Comments