કેન્દ્રના પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા અમરેલી જિલ્લાની મુલાકાતે
આજરોજ કેન્દ્રના પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના મોટા માંડવડા ખાતે મદદ ટ્રસ્ટ દ્વારા આયોજિત “સુપોષણ” અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત ગીરનારી આશ્રમ ખાતે ઇફકો દ્વારા આયોજિત ડ્રોન ટેકનોલોજી દ્વારા નેનો યુરિયા છંટકાવ કાર્યક્રમ પ્રસંગે પણ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિતિ રહ્યા હતા. કેન્દ્રના પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ મદદ ટ્રસ્ટ દ્વારા આયોજિત સુપોષણ અભિયાન કાર્યક્રમ, મેડિકલ ચેકઅપ અને સારવાર કેમ્પ પ્રસંગે લાભાર્થીઓને “સુપોષણ” કીટનું વિતરણ કર્યુ હતુ.
સમગ્ર ભારતમાં આજે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે ઇફકો દ્વારા સંશોધિત નેનો યુરિયા ખાતર છંટકાવ એ પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિ સર્જશે. ભારત સરકારનું લક્ષ્ય જગતના તાત એવા ખેડૂતોની આવક બમણી કરવાનું છે. ડ્રોન દ્વારા નેનો યુરિયા છંટકાવ એ આ દિશામાં આગળ વધવા માટે મદદરૂપ નિવડશે.
કેન્દ્રના પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ આ કાર્યક્રમના આયોજન બદલ આયોજકો સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઇફકો ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના પદાધિકારીશ્રીઓ અને ગામનાં વિવિધ ક્ષેત્રના આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments