શેત્રુંજી નદી કિનારે આવેલું ભોળાનાથનું પ્રાકૃતિક ધામ : ત્રિવેણી મહાદેવ
ગોહિલવાડની ગંગા ગણાતી અને લોક મુખે શેતલગંગા તરીકે જાણીતી લોકમાતા શેત્રુંજી નદીના બંને કિનારા પર સંખ્યાબંધ શિવાલય ઉપરાંત પવિત્ર દેવી-દેવતાઓના સ્થાનકો આવેલા છે. નદીના બંને કિનારા પર વૃક્ષ આંચ્છાદિત રમણીય સ્થળો પર આવેલા આવા સ્થાનિકો નદીની શોભામાં વધારો કરે છે.આવા એક પુરાતની અને પાવન સ્થળે તળાજા તાલુકાના દાંત્રડ ગામ નજીક શેત્રુંજી નદીના કિનારે ત્રિવેણી મહાદેવ મંદિરમાં ભોળાનાથ વિશ્વંભર મહાદેવ બિરાજે છે.
નદીના કિનારાની એકદમ અડોઅડ આવેલા નૈસર્ગિક પરિસરમાં સ્વયંભૂ શિવલિંગ છે. પુરાતની અને પ્રાકૃતિક ધામ ગણાતું આ સ્થળ સિધ્ધક્ષેત્ર ગણાય છે. પૂરા કદ ના શિવાલય તેમજ ઓરડા સહિતનાં ખુલ્લા પરિસરમાં આવેલાં વૃક્ષરાજ વડ સમગ્ર સંકુલની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. શિવ ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ વિશેષ કરીને પૂજન-અર્ચન અને દર્શન માટે વધારે છે.
સામે કિનારા પર હબુકવડ તથા ટીમાણા ગામના પણ એક એક શિવાલય બંધાયેલા છે. અહીં શેત્રુંજી નદીમાં ઉતાવળી નદી ભળે છે તેથી આ સ્થાને ત્રિવેણી સંગમ થાય છે. આવા ત્રિવેણી સંગમ સ્થાનેશિવ મંદિરનુ વિશેષ મહત્વ હોય દર્શનાર્થીઓ શ્રધ્ધાભેર અહીં આવે છે. શ્રાવણ માસમાં વિશેષ પૂજા-અર્ચના થાય છે. શ્રાવણી પૂનમના રોજ આજુબાજુના ગામના ભૂદેવો દ્વારા સામૂહિક નૂતન જનોઈ બદલવાની ધાર્મિક વિધિ પણ અહી થાય છે.
શ્રાવણ માસ ના અંતિમ દિને ભાદરવી અમાસના રોજ અહીં એકદિવસીય લોક મેળાનું આયોજન થાય છે. બાળ ગોપાળ તેમજ યુવાનો-યુવતીઓ અને શ્રધ્ધાળુઓ આમાં ભાગ લે છે. મેળાઓનાં ઇતિહાસ માં ટૂંકા સમયના ગણાતાં ત્રિવેણી ના આ મેળા માટે એટલે જ કહેવાય છે કે, ત્રિવેણી નો તરત મેળો, બપોર થાય ત્યાં ઘર ભેળો….!
Recent Comments