બોલિવૂડ

રાકેશ રોશનના ૭૩માં જન્મદિવસે જાણો તેમના વિશે રસપ્રદ વાતો..

રાકેશ રોશનની બોલીવુડ ઈન્ડસ્ટ્રીના મોટા નામમાં ગણતરી થાય છે. રાકેશ રોશન પોતાનો ૭૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજનો દિવસ રાકેશ રોશન અને તેમના પરિવાર માટે એકદમ ખાસ છે. એક્ટિંગથી લઈને ડાઈરેક્શન સુધીના ક્ષેત્રે તેઓ પોતાનો કમાલ બતાવી ચૂક્યા છે. રાકેશ રોશન વિશે આમ તો ઘણી બધી વાત ચાહકો જાણે છે પરંતુ એક વાત એવી છે જે બહુ ઓછા લોકોને ખબર હશે. અને તે છે તેમના ટાલિયાપણાનું રહસ્ય. જાે તમે ધ્યાનથી જાેશો તો રાકેશ રોશનના માથે જવાનીના સમયમાં વાળ સારા એવા હતા. ફિલ્મોમાં તેઓ પોતાના મસ્ત કાળા વાળ લહેરાવતા જાેવા મળતા હતા. પરંતુ આજના સમયમાં તો તેમને વાળ સાથે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

જેનું કારણ છે લાંબા સમયથી રાકેશ રોશનનો બાલ્ડ લૂક. પરંતુ શું તમને ખબર છે કે રાકેશ રોશને આખરે શા માટે આ બાલ્ડ લૂક અપનાવ્યો હતો? તેની પાછળ ખાસ કારણ છે. રાકેશ રોશન ૭૦ અને ૮૦ના દાયકાના અદભૂત અભિનેતાઓમાં ગણાતા હતા. તેમણે ૭૦થી ૮૦ના દાયકામાં લગભગ ૮૪ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૧૯૮૭માં અભિનય છોડીને રાકેશ રોશને દિગ્દર્શનની દુનિયામાં ડગ માંડ્યા અને કે અક્ષરથી શરૂ થનારી ફિલ્મો બનાવવા માટે જાણીતા થયા હતા. રાકેશ રોશને પહેલી ફિલ્મ ‘ખુદગર્ઝ’ બનાવી હતી. દિગ્દર્શક તરીકે રાકેશ રોશનની પહેલી ફિલ્મ ૧૯૮૭માં આવેલી ‘ખુદગર્ઝ’ હતી. શત્રુઘ્ન સિન્હા અને જિતેન્દ્ર અભિનિત આ ફિલ્મને પ્રોડ્યૂસ પણ રાકેશ રોશને જ કરી હતી. આ ફિલ્મથી રાકેશ રોશનને ખુબ આશાઓ હતી.

એવું કહેવાય છે કે ફિલ્મની રિલીઝ પહેલા તેઓ તિરુપતિ બાલાજી મંદિર ગયા હતા. મંદિરમાં તેમણે માનતા માની હતી કે જાે તેમની આ ફિલ્મ હીટ ગઈ તો તેઓ પોતાના વાળનું દાન કરશે. ‘ખુદગર્ઝ’ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ અને સુપરહીટ સાબિત થઈ. ત્યારબાદ રાકેશ રોશન પોતાની માનતા જ ભૂલી ગયા. તેમણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘ખૂન ભરી માંગ’ની જાહેરાત કરી દીધી. ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘ખૂન ભરી માંગ’ પર કામ શરૂ કરવાના જ હતા કે તેમની પત્ની પિંકીએ તેમને ફિલ્મ પર કામ કરતા પહેલા મુંડન કરાવવાનું કહ્યું.

આ વાતથી રાકેશ રોશન ચોંકી ગયા હતા. તેમને સમજમાં ન આવ્યું કે આખરે પિંકી આ શું બોલે છે. ત્યારબાદ પિંકીએ તેમને યાદ અપાવ્યું કે તેમણે ‘ખુદગર્ઝ’ ફિલ્મ સમયે માનતા માની હતી. થોડીવાર વિચાર્યા બાદ રાકેશ રોશને પોતાના વાળનું દાન કર્યું. એવું કહેવાય છે કે તિરુપતિમાં વાળ દાન આપતા રાકેશ રોશને બીજી માનતા એ માની હતી કે તેઓ આજીવન બાલ્ડ રહેશે. તે દિવસ હતો અને આજનો દિવસ છે. કે રાકેશ રોશને પોતાના વાળ ક્યારેય વધાર્યા નથી. છેલ્લા ૩૫ વર્ષથી રાકેશ રોશને પોતાનો બાલ્ડ લૂક રાખ્યો છે.

Related Posts