મહુવા, પાલિતાણા, સિહોર અને તળાજા ખાતે ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમોનું આયોજન
અત્યારે રાજ્યમાં વરસાદની હેલી ચાલી રહી છે. તો તેની સાથે સાથે રાજ્ય સરકારના ૨૦ વર્ષના લોકો પ્રત્યેના વિશ્વાસને અનુલક્ષીને ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અન્વયે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની પણ હેલી ચાલી રહી છે.આ અંતર્ગત આજે ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, પાલીતાણા અને સિહોર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહુવા ખાતે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, પાલીતાણા ખાતે ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, સિહોર ખાતે ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ અને પાલીતાણા ખાતે પ્રાંત અધિકારીશ્રી વિકાસ રાતડા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જે અંતર્ગત મહુવા ખાતે રૂ. ૨૫ કરોડના ખર્ચે ૧૧૬ ખાતમુહૂર્ત અને ૧૦૫ લોકાર્પણ, પાલિતાણા ખાતે રૂ. ૭.૯૧ કરોડના ખર્ચે ૧૫૦ ખાતમુહુર્ત અને ૮૭ લોકાર્પણ, તળાજા ખાતે રૂ. ૧.૪૬ કરોડના ખર્ચે ૧૭ ખાતમુહૂર્ત અને ૩૦ લોકાર્પણ અને સિહોર ખાતે રૂ. ૭.૨૨ કરોડના ખર્ચે ૧૫૮ ખાતમુહૂર્ત અને ૬૩ લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં.આમ, આજે માત્ર એક જ દિવસમાં ભાવનગર જિલ્લામાં આશરે રૂ. ૪૨ કરોડના ખર્ચે ૪૪૧ કામોનું ઈ-ખાતમુહુર્ત અને ૨૮૫ કામોનું ઈ- લોકાર્પણ મળી કુલ ૭૨૬ કામનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું હતું.
Recent Comments