રાજુલામાં પ્રભારી મંત્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન
રાજ્યમાં ડબલ એન્જીન સરકારના નેજા હેઠળ યોજાઈ રહેલા ‘વિશ્વાસથી વિકાસ યાત્રા‘ હેઠળ અમરેલી જિલ્લાના રાજુલામાં બાલકૃષ્ણ વિદ્યાલય ખાતે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં રાજુલા- જાફરાબાદના રુ.૧.૭૫ કરોડના ખર્ચે કુલ ૭૪ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યમંત્રીશ્રી સામાજિક ન્યાય અન અધિકારીતા આર.સી. મકવાણાએ જણાવ્યુ હતુ કે, કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પંચાયતથી લઈ વિવિધ સ્તરે સરકાર દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૧૧૬ ડેમોમાં નર્મદાના નીર ભરવાનું કામ થઈ રહ્યું છે, જેના લીધે દુષ્કાળ હવે ભૂતકાળ બનશે. નાગરિકોને અતિ ગંભીર બિમારી સમયે પણ સારવાર અને સહાય મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અન્વયે લાભાન્વિત કરવામાં આવે છે. કોરોનાના કપરા કાળમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ સ્વદેશી રસીની શોધ અને રસીકરણ અભિયાન થયું જેના કારણે દેશ કોરોના મુક્ત થવા તરફ છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યુ કે, ખેડૂતોને ડુંગળીમાં ઓછા ઉતારા અને ઓછા ભાવના લીધે નુકશાની થાય એવી સ્થિતિ આવી ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે રુ.૧૨૫ કરોડના ખર્ચે કિલોએ બે રૂપિયાનો ટેકો આપી ખેડૂત કલ્યાણનું કાર્ય કર્યુ. આગામી સમયમાં પણ રાજ્ય સરકારની વિકાસ અને વિશ્વાસની આ યાત્રા શરુ રહેશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ સંસદીય સચિવશ્રી હીરાભાઈ સોલંકીએ, વિવિધ યોજનાઓ દ્વારા થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી મીઠાભાઇ લાખણોત્રા, નગરપાલિકાના પ્રમુખશ્રી રમેશભાઈ કાતરીયા, પ્રાંત અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી પીઠાભાઈ નકુમ સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments