fbpx
ભાવનગર

બાળવાર્તાકાર સ્વ. ગિજુભાઈ બધેકાને અંજલિ આપતો કાર્યક્રમ ‘વાર્તાથી વાવેતર’ યોજાયો

આજે મૂછાળી માં તરીકે ઓળખાતાં અને ભાવનગરના સશક્ત બાળવાર્તાકાર સ્વ. ગિજુભાઈ બધેકાને અંજલિ આપતો એક કાર્યક્રમ ‘વાર્તાથી વાવેતર’ ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાયો હતો.શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આ અવસરે જણાવ્યું કે, આવનારી પેઢી સુધી વાર્તા, વારસો અને વિરાસત પહોંચાડીને નવી પેઢીને સશક્ત અને ઉર્જાવાન બનાવીએ.તેમણે શીખ આપતાં જણાવ્યું કે, આપણે આપણાં બાળકો પર આપણાં સપનાના વાવેતર કરતાં હોઈએ છીએ. પરંતુ તેના પર આપણાં સપના ન થોભતાં તેને  મુક્ત રીતે ખીલવા દઈએ.

શિક્ષણ મંત્રીશ્રીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે,  ભાવનગરમાં દક્ષિણામૂર્તિ ખાતે સ્વ. ગિજુભાઈ બધેકાનું રૂ. ૭૫ લાખના ખર્ચે સ્મારક બનાવવામાં આવશે. આ માટેની જોગવાઈ પણ બજેટમાં કરી દેવામાં આવી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, બાયસેગ પર બાળકો માટે એક અલગથી ચેનલ શરૂ કરાશે. જેમાં બાળવાર્તાઓના ખજાનાને રજૂ કરીને બાળ માનસને કેળવવામાં આવશે.શિક્ષણ મંત્રીશ્રી આ અવસરે ‘બાળ દોસ્તી’ યૂ ટ્યૂબ ચેનલ પણ લોન્ચ કરી હતી.

ગત વર્ષે સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસે સમગ્ર રાજ્યમાં બાળવાર્તા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. ભાવનગર ખાતેથી તેની શરૂઆત થઈ છે અને ધીમે- ધીમે તે સમગ્ર રાજ્ય સુધી પહોંચશે.બાળવાર્તાઓની અસર કેટલી છે તેનું ઉદાહરણ રજૂ કરતાં તેમણે કહ્યું કે, ભારત સરકારની નવી શિક્ષણનીતિમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, જો તેમણે બાળપણમાં દાદી પાસેથી બાળવાર્તાઓ ન સાંભળી હોત તો શ્રદ્ધા અને આસ્થાનું તત્વ તેમનામાં ટક્યું ન હોત.  એક બાળ વાર્તા બાળકનો સ્પર્શ કરીને તેને સોનાનો કરી બતાવે છે તે બાળવાર્તાની તાકાત છે.

સ્વ. ગિજુભાઈ બધેકાએ આજથી સો વર્ષ પહેલા બાળવાર્તાનું મહાત્મ્ય પારખીને બાળકો માટે જે વાર્તાનું સર્જન કર્યું છે તે આજે પણ બાળકોને બાળકોના ઘડતર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. આજે બાળવાર્તાને જીવાડવા જે રીતે દહીંનું મેરવણ કરવું પડે તે રીતે આજે સમાજમાં બહુ જ ઓછા માણસો બચ્યાં છે. જો તેને આપણે સાચવી લઈશું તો કેળવણીનું દહીં જામી જતાં વાર નહીં લાગે. તેમણે સાઈરામ દવે અને સાંઈ ફાઉન્ડેશનને બાળવાર્તાઓને ઉજાગર કરવા માટે જે પ્રયત્ન આદર્યો છે તેની સરાહના કરીને અભિનંદન પણ પાઠવ્યા હતાં. જાણીતા લોકસાહિત્યકારશ્રી સાંઈરામ દવેએ તેમની રસાળ શૈલીમાં જણાવ્યું કે, સ્વ. ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓ આજના બાળકો માટેની ‘સાત્વિક સંજીવની’ છે. તેમની વાર્તાઓ એક્સ્પાઈરી ડેટ વગરની અમર છે.

તેમણે કહ્યું કે, તેમના જન્મ દિવસને ‘બાળવાર્તા દિવસ’ તરીકે ઉજવવા માટે રાજ્ય સરકારે જે રાજ્યાશ્રય આપ્યો છે તે માટે રાજ્ય સરકારનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.મૂછાળી માં’ તરીકે તેમણે બાળ કેળવણી માટે જે કાર્ય કર્યું છે તે કાબિલેદાદ છે તેમ જણાવી તેમણે બાળ વાર્તાઓમાં શું હોવું જોઈએ તેની વિસ્તૃત વાત કરી હતી. જાણીતા કટાર લેખકશ્રી જયભાઈ વસાવડાએ જણાવ્યું કે, જે લોકો બાળ વાર્તાઓ સાંભળીને મોટા થયાં છે તેવાં લોકો જ સાહસિકો અને સર્જકો બની શકે છે. જ્યાં સુધી માણસમાં ભોળપણ‌ જીવે છે ત્યાં સુધી બાળપણ ટકે છે.

ભારત એ વાર્તાઓની ભૂમિ છે તેમ જણાવી તેમણે કહ્યું કે, જ્યારે હેરી પોટરનું પાત્ર નહોતું  કે ડિઝની નહોતાં ત્યારે આપણે ત્યાં પં. વિષ્ણુ શર્માએ હિતોપદેશની બાળ વાર્તાઓમાં પ્રાણીઓના પાત્ર દ્વારા અમર બાળ વાર્તાઓ આપી હતી. બાળ વાર્તાઓ થાક લાગ્યો હોય ત્યારે તેને  ઉતારવા માટેનું ઓશિકું બને છે તેમ જણાવી તેમણે કહ્યું કે, બોજ વગરની મોજ માણવી હોય તો બાળક બનવું પડે. વાર્તાથી ઘડતર અને ચણતર થાય છે તેની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઈ શાહ, પૂર્વ સાંસદશ્રી રાજુભાઇ રાણા, રેન્જ આઈ.જી.શ્રી અશોકકુમાર યાદવ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી કાર્યકારી કુલપતિશ્રી ડો.એમ.એમ.ત્રિવેદી,  દક્ષિણામૂર્તિ શાળાનાં ટ્રસ્ટીશ્રી ધીરેન્દ્ર મૂની સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, વિવિધ શાળાનાં આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts