fbpx
ભાવનગર

ભાવનગરમાં શાળા-કોલેજના એક્ટીવેશન કાર્યક્રમની શરૂઆત કરાવતાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી

ભાવનગર ખાતેથી આજે શાળા-કોલેજના એક્ટીવેશન કાર્યક્રમની શરૂઆત આજે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ કરાવી હતી.

        ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ૩૬ મી નેશનલ ગેમ્સ બાબતે યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી અને રમત-ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે ૩૬ મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે સેલેબ્રેટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસની થીમ સાથે એક કાર્યક્રમ ભાવનગનરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોજાયો હતો.

        આ કાર્યક્રમમાં ડિજિટલી સંબોધન કરતાં શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, ખેલ આપણને ખેલદીલી સાથે નકારાત્કતા ત્યજી સકારાત્કતા તરફ વધવાની શીખ આપે છે. ખેલ આપણને ભણતર, ગણતર સાથે તેની સાથેનું એક પ્રકારનું અલગથી જોડાણ કરી આપે છે.

        વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રી હતાં ત્યારે શરૂ કરેલ ખેલ મહાકૂંભ આજે મોટું વટવૃક્ષ બની ગયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇની પ્રેરણાને કારણે આજે રાજ્યના અનેક ખેલાડીઓ તાજેતરની કોમનવેલ્થ ગેમ્સ અને અન્ય ગેમમાં પ્રભાવશાળી દેખાવ કરી શક્યાં છે. તેની પાછળ રાજ્યની ખેલ માટે અપાયેલી એક દિશા છે તેમ તેકણે વધુમાં ઉમેર્યું હતું.

        બે થી ત્રણ વર્ષની તૈયારીઓ બાદ આવડી મોટી ગેમ્સનું આયોજન શક્ય બનતું હોય છે તેની જગ્યાએ ગુજરાતે માત્ર ૩ માસના ટૂંકાગાળામાં આ ગેમ્સનું સફળ આયોજન કરીને ફરીથી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે,  ગુજરાતમાં ચેલેન્જ ઉપાડવાની તાકાત છે અને જ્યારે જ્યારે ગુજરાત સામે આવાં પડકારો આવ્યાં છે ત્યારે ગુજરાતે તેને ઉપાડી બતાવ્યાં છે તેમ તેમણે જણાવ્યું હતું.

        તેમણે કહ્યું કે, ગુજરાતમાં આ રમત રમાઇ રહ્યાં છે તે ગુજરાત માટે ગૌરવની બાબત છે તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, ખેલાડીઓ એક આશાઓ- અપેક્ષાઓ સાથે ’જીતેગા ઈન્ડિયા’ ના ભાવ સાથે આ રમતોમાં જોડાવાના છે ત્યારે રાજ્યમાં આ યુવકોના વિકાસ માટે ’સ્કાય ઇઝ ધી લીમીટ’ છે. તેમની સફળતાથી ભારતને વિશ્વગુરૂના સ્થાને બિરાજમાન કરવાની પ્રતિબધ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

        તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, સીદસરમાં રૂા. ૧૦ કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષ આપણે બનાવી શક્યાં છીએ જેના કારણે આજે નેશનલ ગેમ્સની ચાર રમતો ભાવનગરમાં રમાવાની છે.

        તેમણે રાજ્યની કટિબધ્ધતાને કારણે આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ અને સેમી કન્ડક્ટર જેવી વિશિષ્ટ પ્રકારની જરૂરિયાતવાળી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે જેના કારણે ગુજરાતને ખૂબ મોટો ફાયદો થવાનો છે તેનાથી યુવા વિદ્યાર્થીઓને અવગત પણ કરાવ્યાં હતાં.

        ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયાએ આ અવસરે કહ્યું કે, ભાવનગરમાં જ્યારે નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે ત્યારે કલા અને સંસ્કૃતિ નગરીને સાથે ઓળખાતું ભાવનગર હવે ખેલની નગરી તરીકેની પણ નવી ઓળખ બનાવશે.

        રાજ્ય સરકાર દ્વારા આજે કલા, રમત-ગમત, અભ્યાસ તમામ ક્ષેત્રોમાં યુવાનોના સપના સાકાર થાય તે દિશાના પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે યુવાનો તેનો લાભ લે તે માટેનો અનુરોધ કર્યો હતો.

        કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, જીવનમાં ખેલનું અનોખું મહત્વ હોય છે. જો જીવનમાં શારીરિક અને માનસિક રીતે સજ્જ રહેવું હશે તો તમારે કોઇપણ એક રમતને તમારા દૈનિક જીવનનો હિસ્સો બનાવવી પડશે.

        ૩૬ રાજ્ય અને કેન્દ્રશાશિત પ્રદેશના ૮ થી ૯ હજાર ખેલાડીઓ આ નેશનલ ગેમ્સમાં ભાગ લઇ રહ્યાં છે. આ ગેમ્સ વ્યાપકતાની દ્રષ્ટીએ ઓલિમ્પિકના ૨/૩ ભાગ જેટલી અને કોમનવેલ્થ ગેમ્સથી આશરે ૨ ગણી મોટી છે.

ભાવનગરમાં નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત રમાઇ રહી છે તેનો ઉલ્લેખ કરીને તેમણે ભાવનગર શહેર નાનું છે, છતાં, મોટી ગેમની જવાબદારી ઉઠાવી રહ્યું છે.

        તેમણે આ ગેમ્સ શહેરમાં રમાવાથી શહેર અને જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળશે તેમ જણાવીને શાળ સંચાલકો અને સ્પોર્ટસ ટીચરોએ તેમના શાળા-કોલેજના ખેલાડીઓને આ રમતો જોવાં માટે આવવાં માટે પણ આહવાન કર્યું હતું.

        આ અવસરે મહાનુભાવોના હસ્તે ખેલ મહાકૂંભમાં શહેર અને જિલ્લામાં એક થી ત્રણ આવેલી શાળાઓનું પ્રમાણપત્ર અને ઇનામી રાશીના ચેકથી સન્માન કર્યું હતું.

        આ પ્રસંગે નેશનલ ગેમ્સનું એન્થમ વગાડવામાં આવ્યું હતું અને ફિટ ઇન્ડિયાના શપથ લેવામાં આવ્યાં હતાં.

        સ્વાગત પ્રવચન નંદરકુંવરબા કોલેજના ટ્રસ્ટીશ્રી ભરતસિંહ ગોહિલે કર્યું હતું. સમારોહ બાદ મહાનુભાવોએ ખેલાડીઓના ખેલ નિદર્શનને પણ નિહાળ્યું હતું.

        આ એક્ટીવેશન કાર્યક્રમના શુભારંભ અવસરે મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, એ.એસ.પી. શ્રી સફિન હસન, ચીફ કોચશ્રી દિવ્યરાજસિંહ બારૈયા, જિલ્લાના રમતગમત અધિકારીઓ અને કર્મચારીઓ, નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

Follow Me:

Related Posts