શામળદાસ કોલેજના ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ ‘ભાવનગર હેરિટેજ વોક એન્ડ ટોક ‘પ્રોગ્રામ અંતર્ગત ભાવનગર શહેરની સૌથી જૂની બાટૅન લાયબ્રેરીની આજે મુલાકાત કરી હતી. આ કોલેજના વિદ્યાર્થીઓ વિરાસત અને વારસો જાળવવાં અને તે અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે કાર્યરત આ રીતે વોક એન્ડ ટોકનો કાર્યક્રમ નિયમિત અંતરાલે કરે છે.
આ લાયબ્રેરીની સ્થાપના મહારાજાશ્રી તખ્તસિંહજીના સમયમાં તા.૩૦-૧૨-૧૮૮૨ માં થઈ હતી. બ્રિટીશ પોલિટિકલ એજન્ટ કનૅલ એલ.સી.બાટૅનના નામ પરથી આ લાયબ્રેરીનું નામ ‘બાટૅન લાયબ્રેરી’ નામકરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર ગુજરાતમાં આ સમયે ચારેક જેટલી મોટી લાયબ્રેરી હતી. તેમાંથી એક ભાવનગરમાં બાટૅન લાયબ્રેરી હતી.
આ લાયબ્રેરીના મકાનની સ્થાપત્ય શૈલી સુંદર છે, મકાનનું બાંધકામ ટકાઉ છે, પુસ્તકોનાં સંગ્રહ અને વાંચકો માટે સુવિધા યુકત છે, સુંદર નકશીકામ કરેલા કબાટોમાં પુસ્તકો રાખવામાં આવ્યાં છે. તેની સ્થાપત્ય શૈલી એટલી સુંદર છે કે કલાપ્રેમીઓને આકર્ષિત કર્યા વગર ન રહે.લાયબ્રેરીમાં જૂની હસ્તપ્રતો છે, જુનાં ગેજેટ છે, રિપોર્ટ છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી ભાષામાં લખાયેલા પુસ્તકો છે, સામયિકો, વતૅમાનપત્રો છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે વાંચન માટેની નિ:શૂલ્ક સુવિધા ઉપલબ્ધ છે.
બાટૅન લાયબ્રેરીના ગ્રંથપાલશ્રી ભટ્ટ સાહેબે “પુસ્તક વાંચન એજ વિદ્યાર્થીઓનો ધમૅ(કતૅવ્ય)’આ વિષય પર વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થાય એવું વક્તવ્ય આ અવસરે આપ્યું હતું. આ પ્રોગ્રામમાં સેમેસ્ટર પાંચના વિદ્યાર્થી ભાવેશ ડાંગરે “બાટૅન લાયબ્રેરીનો ઈતિહાસ” વિષય પર વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર પ્રોગ્રામ માટે ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો.લક્ષ્મણ વાઢેર, કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રી જયવંત સિંહ ગોહિલ, મુલાકાતી અધ્યાપકો પવન જાંબુચા, વિજય કંટારિયા, રઘુવીર સિંહ પઢિયાર, દિવ્યજીતસિહ ગોહિલે વિદ્યાર્થીઓને આ અંગેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
Recent Comments