PM મોદીએ સી.આર. પાટિલ માટે એવું સંબોધન કર્યું કે શરૂ થઇ ગઇ ભારે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહેવાય છે કે તેઓ જ્યારે જાહેરમાં કોઇપણ કામ કરે છે ત્યારે ખૂબ જ કાળજીપૂર્વક કરે છે. આ ઉપરાંત તેમાં ઘણા બધા સંકેતો હોય છે. ભાગ્યે જ તેઓ કોઇ ભૂલ કરતા હોય છે. તેઓ કોઇની સામે જૂએ કે ન જૂએ. કોઇની સાથે હાથ મિલાવે કે ન મિલાવે. કોઇનું નામ લે કે ન લે. તમામ અંગે ચર્ચાઓ ઊભી થઇ જતી હોય છે. ગાંધીનગર ખાતે મંગળવારે ભારતીય જનતા પાર્ટીના દેશભરના મેયર્સ એકઠા થયા હતા. તેમને સંબોધવાની શરૂઆત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનું નામ લીધું. ત્યારપછી તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લોકપ્રિય મુખ્યમંત્રી ગણાવ્યા.
અંતમાં તેમણે સી.આર. પાટિલનું નામ લીધું પરંતુ તેની સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખ શબ્દો જોડવાને બદલે માત્ર સંસદ મેં મેરે સાથી એટલું જ કહ્યું. આ સંબોધન પછી ગુજરાતના રાજકારણમાં મોટી ચર્ચા થઇ રહી છે. વડાપ્રધાને સી.આર. પાટિલને પ્રદેશ પ્રમુખ કહેવાને બદલે માત્ર સંસદમાં તેમના સાથી જ કેમ કહ્યા.
આ ચર્ચા એટલા માટે પણ થઇ રહી છે કારણ કે હાલમાં જ સી.આર. પાટિલ 10 દિવસ દિલ્હીમાં ફિટનેસ સેન્ટરમાં રહી આવ્યા છે. તેમણે પરત આવ્યા પછી એક પોસ્ટ પણ લખી અને જણાવ્યું કે તેઓ 6 કિલો વજન ઉતારીને તાજા માજા થઇને પાછા પાર્ટીના કામમાં જોડાવા આવી ગયા ગયા છે. તે પહેલા તેઓ સૌરાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં સ્ટેજ પર ઠોકર વાગતા પડી ગયા હતા અને તે ઘટના વડાપ્રધાનની સામે જ બની હતી. ત્યારપછી તેમને 10 દિવસ માટે દિલ્હી બોલાવાયા હતા.
જ્યારે તેઓ દિલ્હી ગયા ત્યારે તેમના વિરોધીઓ ખુશ થઇ ગયા હતા. તેઓ એવી ચર્ચા કરતા હતા કે હવે તેમને બદલી નાંખવામાં આવશે. જોકે, તેઓ પરત આવી જતા તેમના મોઢા પડી ગયા હતા. જોકે, હવે વડાપ્રધાનના નિવેદન પછી ફરી તેમનામાં આશાનું કિરણ જાગ્યું છે.
જોકે, જાણકારો કહે છે કે ચૂંટણી નજીક છે ત્યારે તેમને બદલવાનો કોઇ સવાલ જ નથી. તેમની લીડરશીપમાં ભાજપે તમામે તમામ ચૂંટણીઓ જીતી છે. માત્ર જીતી જ નથી પરંતુ ભારે બહુમતીથી જીતી છે. રાજકોટ સભાને સંબોધતા મંગળવારે જે.પી. નડ્ડાએ પણ તમામ જીતનો શ્રેય સી.આર. પાટિલને આપ્યો. તેમણે સીઆર પાટિલે વિકસાવેલી પેજ પ્રમુખની સિસ્ટમના પણ વખાણ કર્યા. હવે સવાલ એ થાય છે કે શું સી.આર. પાટિલને કેન્દ્રમાં લઇ જવાની તૈયારી ચાલી રહી છે. એટલે વડાપ્રધાને તેમને માત્ર સંસદમાં મારા સાથી તરીકે કહ્યા. એવું કહેવાય છે કે ચૂંટણી પૂરી થયા પછી તેમને દિલ્હીમાં કોઇ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
એક બીજુ વિશ્લેષણ એવું પણ કરવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ જે રીતે સી.આર. પાટિલ પર વ્યકિતગત હુમલો કરે છે. તેમને વાંરવાર મરાઠી કહે છે તેના લીધે ભાજપને ગુજરાતીઓમાં નુક્સાન થઇ શકે તેમ છે. એટલે સી.આર. પાટિલ હવે ફ્રન્ટફૂટ પર ન આવીને બેકફૂટ પર જ બેટિંગ કરશે. ચૂંટણીના પ્રચારમાં માત્ર નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્ય ચહેરા તરીકે રખાય તેવી અટકળો લાગી રહી છે. જોકે, અંતમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કહી શકે કે તેમણે આ પ્રકારે સંબોધન કેમ કર્યું.
Recent Comments