fbpx
ગુજરાત

વિપુલ ચૌધરીના સમર્થનમાં હજારો લોકો ભેગા થયા, કહ્યું- જ્યાં ઈશારો કરશે ત્યાં વોટ

અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવતા, ઠેર ઠેર આંજણા ચૌધરી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને  વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આંજણા ચૌધરી સમાજ દ્વારા સમાજનું શક્તિ પ્રદર્શન બતાવવામાં આવી રહ્યું છે ત્યારે વીસનગર તાલુકાના બાસણા ગામે અર્બુદા સેના દ્વારા અર્બુદા ધામમાં સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, આયોજિત આ મહાસંમેલનમાં આજે એટલે કે ગુરુવારના રોજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અર્બુદા સેના તેમજ આંજણા ચૌધરી સમાજ ઊમટી રહ્યો છે. ત્યારે આ મહાસંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાને પાઘડી મૂકવામાં આવી હતી.

ગામેગામથી લોકો ટ્રેક્ટરો, ગાડી, લક્ઝરી લઈને ઊમટ્યા

આ સંમેલનમાં સવારથી જ મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજની જનમેદની ઊમટી પડી છે. આંજણા ચૌધરી સમાજ ગામેગામથી ટ્રેક્ટર, ગાડીઓ, લક્ઝરી બસો લઈને બાસણા ગામે અર્બુદા ધામમાં ઊમટી પડ્યો છે. સમાજની અનેક મહિલાઓ પણ મોટી સંખ્યામાં મહાસંમેલનમાં જોડાઈ છે, આથી આ સંમેલનના સ્થળે સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ આ સંમેલનમાં હાજર અર્બુદા સેના સૈનિક ભરત ચૌધરીએ કહ્યું હતું કે, ‘અમે વિપુલ ચૌધરી જે તરફ ઈશારો કરશે તે તરફ મતદાન કરીશું. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, આવી જાઓ મેદાનમાં અર્બુદા સેના તમારી સામે છે, કબડ્ડીનો પાટો ઓળંગવા નહિ દઈએ’

અર્બુદા સેના જિલ્લા મહામંત્રીએ કર્યા આકરા પ્રહાર

રિપોર્ટ મુજબ, અર્બુદા સેના જિલ્લા મહામંત્રી રાજુ ચૌધરીએ જણાવ્યું હતું કે, 9 મહિના પહેલા સમાજને સંગઠિત કરવાના ભાગરૂપે અમારા સમાજના આન, બાન, શાન અને પૂર્વ દૂધ સાગર ડેરી ચેરમેન તેમજ પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ આંજણા ચૌધરી સમાજના સંગઠનની રચના કરી હતી. આજે મહેસાણા જિલ્લાની 15 હજારથી વધુ મહિલાઓ તથા ભાઇઓ સમાજના નેતા વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં ઉપસ્થિત થયા છે. આજની સરકારને હું કહું છું કે 2017ની ચુંટણીમાં જ્યારે વિપુલ ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં હતા, ત્યારે ચૌધરી સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટીને 90 ટકાથી વધુ મત આપ્યા છે.

આ સાથે જ જિલ્લા મહામંત્રી રાજુ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, અમારા સમાજના નેતાને તમે જેલમાં પૂરી અમને ભગતસિંહ બનવા મજબુર ના કરો તો સારી વાત છે. વિપુલ ચૌધરીને કોઈપણ ભોગે મુક્ત કરાવવા એ અમારી એક જ માંગ છે. 15થી 17 વર્ષ પહેલાના જૂના કેસો ખોટા ખોલવામાં આવ્યા છે, આ ખોટા કેસો થયા પણ નહીં હતા, ઊભા કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, 15થી 17 વર્ષ સુધી ક્યાં ઊંઘી ગયા હતા આમ આવા વેધક સવાલો કરીને તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

બાસણા સ્થિત અર્બુદા ધામ અર્બુદા માતાના મંદિરમાં સદભાવના યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે, સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી ધરપકડમાંથી મુક્ત થાય તેમજ અર્બુદા સેનાનું સંગઠન જળવાઈ રહે એ માટે આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે, આયોજિત આ યજ્ઞમાં સવારથી આંજણા ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં મહાસંમેલનના સ્થળે ઉમટી રહ્યા છે અને સમાજ દ્વારા યોજવામાં આવેલ આ મહાસંમેલનને સફળ બનાવી રહ્યા છે.

Follow Me:

Related Posts