દહેગામનાં પાલૈયામાં સ્ટેટ મોનીટરીંગની ટીમે દરોડો પાડ્યો, ૧૪.૮૪ લાખનો દારૂનો જથ્થો જપ્ત

ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે ગઈકાલે રાત્રે પાલૈયા ગામની સીમમાં આવેલા બોર કૂવા પર રેડ કરી રૂ. ૧૪ લાખ ૮૪ હજારની કિંમતની ૩ હજાર ૪૮૪ વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડી દારૂના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ગાંધીનગરના દહેગામ પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનાં કટિંગની પ્રવૃતિ ફૂલીફાલી હોવા છતાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી. એવામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સુપ્રિટેન્ડન્ટ નિર્લિપ્ત રાયની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક કે ટી કામરીયાનાં સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગની ટીમે ગઈકાલે દહેગામનાં પાલૈયામાં ચાલતાં વિદેશી દારૂના કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઈ છે.
સ્ટેટ મોનીટરીંગની ટીમે પૂર્વ બાતમીના આધારે પાલૈયા ગામની સીમમાં જીતુભાઈ ઠાકોરના બોર કૂવા પાસેની ખુલ્લી જગ્યામાં એક ટ્રકમાંથી વિદેશી દારૂની ૩ હજાર ૪૮૪ નંગ બોટલોનો જથ્થો જપ્ત કરી મસમોટા દારૂ કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગની ટીમે ૧૪.૮૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ વાહન મળીને ૨૧.૮૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર વિદેશી દારૂના કટિંગ દરમિયાન દેવેન્દ્ર પરીહાર, સોનું લક્ષ્મણસિંહ રાજપૂત, ટીનીયો ઠાકોર (દહેગામ), મહમદ શરીફ, સંદીપ દીવારકર, કમલેશ ઉર્ફે કાલુ દેવીદાસ, મૂકેશ મારવાડી અને નાઝીર હુસૈન ઉસ્માનગની સિંધીને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના દહેગામમાં વિપુલ માત્રામાં દારૂ કટિંગનું નેટવર્ક ઝડપતાં સ્થાનિક પોલીસ ઊંઘતી જાેવા મળી હતી.
Recent Comments