મોડી રાત્રે ગુમ થયેલા યુવાનને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતાર્યો, લાશ ફ્લેટના બેઝમેન્ટમાં ફેંકી દીધી
વડોદરામાં રાત્રે રહસ્યમય રીતે ગુમ થયેલા માંજલપુર વિસ્તારના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. યુવકની ફેંકી દેવાયેલી લાશ સયાજીગંજ અલંકાર ટાવરમાંથી મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. દક્ષ પટેલ નામનો મૃતક યુવાન એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ૧૯ વર્ષીય દક્ષ હસમુખભાઈ પટેલ રાત્રે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ સવાર સુધી ઘરે પરત ન ફરતાં પરિવાર ચિંતિત થઇ ગયો હતો. ત્યાર બાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયા હોવાની જાણકારી આપી હતી. પરિવારે પોલીસને જાણ કરતાં માંજલપુર પોલીસ એક્શનમાં આવી હતી અને દક્ષ પટેલની શોધખોળ આરંભી હતી.
ત્યાર બાદ પોલીસને સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવર પાસેથી દક્ષ પટેલનું એક્ટિવા મળી આવતાં પોલીસે આસપાસ આવેલી દુકાનોના સીસીટીવી ફૂટેજ જાેતાં દક્ષ પટેલ દેખાઈ આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અલંકાર ટાવરમાં આવેલા ખંડેર જેવા બેઝમેન્ટમાં એક લાશ પડી છે. પોલીસ બાતમીના આધારે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં બેઝમેન્ટમાં લાલ રંગના નાયલોનની દોરી જેવી વસ્તુથી પગ બાંધેલી હાલતમાં એક લાશ દેખાઈ હતી. લાશની તપાસ કરતાં લાશ ગુમ થયેલા દક્ષ પટેલની હોવાનું સામે આવ્યું હતું. દક્ષ પટેલને કોઈ અજાણ્યા શખસ દ્વારા પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો હોવાનું જાણવા મળ્યું હતું.
Recent Comments