ગુજરાત

થરાદના ડુવામાં વાયરલ કરેલી ઓડિયો ક્લિપ મુદ્દે ઠપકો આપતાં ચાર ઈસમોએ ત્રણ જણાને ઢોર માર માર્યો

થરાદના ડુવામાં અગાઉ વાયરલ કરેલી ઓડિયો ક્લિપ બાબતે ઠપકો આપતાં નવરાત્રીના ગરબામાંથી પરત ફરતાં વચ્ચે રસ્તામાં મોટરસાઈકલ પર જતાં ૩ જણાને ચાર શખ્સોએ ઉભા રાખી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે થરાદ પોલીસ મથકે ચાર ઈસમો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. વિક્રમભાઈ ભાવાભાઈ ડાંગી, મેઘાભાઇ જ્યંતીભાઇ ડાંગી તેમજ પ્રવિણભાઇ મોહનભાઇ ડાંગી ત્રણેય જણા રાત્રે મોટર સાયકલ લઇને તાલુકાના અછવાડા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરે ગરબા જાેઇને રાત્રીના સમયે પરત જતા હતા.

તે સમયે અછવાડાથી ડુવા જવાના રોડ ઉપર ડુવા ગામના ચરેડાની સીમમાં રોડ ઉપર દિનેશ લસાજી રબારી, નેબા ગણેશાજી રબારી, શામળા જીવાજી રબારી, તેમજ ચતર માલસિંહ સોઢાએ મોટર સાયકલ ઉભુ રખાવીને “અગાઉ અમે ઓડીયો ક્લિપ વાયરલ કરેલી હતી, જેમાં તે કેમ કહ્યું હતું કે આવા ઓડીયો વાયરલ કરાય નહી” તેમ કહીને ઠપકો આપીને અમારા ઘરે તમે કેમ વાત કરેલી એમ કહ્યું હતું. જેમાં વિક્રમે કહેલું કે તમે અમારા વિશે ખરાબ બોલો તો અમારે તમારા ઘરે કહેવું જ પડેને. તેમ કહેતાં આ ચારેય લોકોએ તેમને ભુંડી ગાળો બોલી જાહેરમાં તેમને જાતિ વાચક અપમાનીત શબ્દો બોલ્યા હતા. જે બોલવાની ના પાડતાં દિનેશ લશાજી રબારીએ તેની પાસેની લોખંડની પાઇપ હતી, જે તેણે વિક્રમભાઈના માથાના ભાગે મારતાં તે નીચે પડી ગયા હતા. જેમની સાથે રહેલા પ્રવિણભાઇને પણ માથાના ભાગે પાઇપ મારવા જતાં તેણે હાથ આડો કરતાં તેના જમણા હાથના ભાગે વાગ્યું હતું

બીજા ત્રણેય જણા તે ત્રણેયને ગડદા પાટુનો માર મારવા લાગતાં તેમણે બુમાબૂમ કરતા આજુબાજુ લોકોએ મારમાંથી તેમને છોડાવ્યા હતા. જતાં જતાં શખ્સોએ ધમકી આપેલી કે તો બચી ગયા, પણ અમારૂ ક્યારેય નામ લેશો તો તમને ગામમાં જીવતા રાખીશું નહી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને તે ત્રણેય જણા ત્યાંથી બે મોટર સાયકલ ઉપર નીકળી ગયા હતા. વિક્રમભાઈને માથામાં પાઇપ મારતાં લોહી નિકળતું હોવાથી મોટર સાયકલ ઉપર બેસાડીને ધાનેરાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. તેમણે પરિવારના આગેવાનોને લઇ થરાદ પોલીસ મથકે આવી ચાર ઈસમો સામે એટ્રોસિટી મુજબનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts