વારસિયામાં દારૂના ધંધાની હરીફાઈમાં બોલાચાલી બાદ ગેંગવોરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. કુખ્યાત બૂટલેગર અલ્પુ સિંધીના ખાસ ધર્મેન્દ્ર ઉર્ફે ગોલુએ અન્ય બૂટલેગર કમલ ઉર્ફે કમુ પર હુમલો કરી ઈજા પહોંચાડતાં એસએસજી લઈ જવાયો હતો. બંને બૂટલેગરોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ૪ આરોપીની ધરપકડ કરાઈ હતી. પોલીસે બૂટલેગર ગોલુ સામે યોગ્ય કાર્યવાહી નહિ કરી હોવાનો આરોપ ઘાયલ કમુના પરીવારે લગાવ્યો છે. આગાઉ વરણામા પોલીસની કસ્ટડીમાંથી ભાગેલા કુખ્યાત બૂટલેગર હરિ સિંધીને મળવાનું કહેતાં ઝઘડો થયો હતો, જેથી બંનેએ એકબીજાને મારી નાખવાની કોશિષ કરી હતી. બંને હાલમાં સારવાર હેઠળ છે. ખોડિયારનગરની હેમદિપ રેસિડન્સીમાં રહેતા કમુ તોલાણીએ મંગળવારે ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવને ફોન કરી કહ્યું કે, કામ છે. જેથી ધર્મેશે તેને ઘરે બોલાવતાં કમલ ગોલુના ઘર પાસે ગયો હતો અને કહ્યું કે, હરણી પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં તેનું ખોટું નામ છે એટલે તેને હરીને મળવું છે. જાેકે ગોલુએ કહ્યું કે, તારે જે કહેવું હોય તે મને કહે.
જેથી કમલે તેને કહ્યું હતું કે, તું વચ્ચે ના પડ, આમાં આપણી દુશ્મની થઈ જશે. આમ કહેતાં ગોલુ તેને મારવા લગ્યો હતો. ગોલુના મિત્રો લાલુ કહાર અને વિશાલ કહારે પણ તેને માર માર્યો હતો. દરમિયાન ગોલુ પાઈપથી માર મારતાં તે બેભાન થઈ ગયો હતો. સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓ એસએસજીમાં લઈ ગયા હતા. તેણે ધર્મેશ ઉર્ફે ગોલુ, લાલુ કહાર અને વિશાલ કહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવે કમલ તોલાણી, પવન તોલાણી અને સોનુ વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું કે, કમલે ફોન કરી હરી સિંધી વિશે પૂછ્યું હતું. તેને હરિ વિશે ખબર ન હોવાથી ના પાડી હતી. જેથી કમલે મારી નાખવા ધમકી આપી હતી. બાદમાં કમલ તોલાણી, પવન તોલાણી, સોનુ ધર્મેશના ઘરે આવ્યા હતા અને પાછળથી ચપ્પા વડે પીઠમાં હુમલો કર્યો હતો. પરિવારે ઘાયલ ધર્મેશને સયાજીમાં ખસેડાતાં પીઠમાં ૧૧ ટાંકા આવ્યા હતા. હુમલાના બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદોમાં જુદી જુદી કલમ લગાવી હોવાનો આરોપ ગંભીર રીતે કમુ તોલાણીની માતા સપના તોલાણીએ લગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, મારા છોકરાને ગંભીર ઇજા થવા છતાં તેની સામે ૩૦૭ અને જેને સામાન્ય ઇજા થઇ છે તેની સામે ૩૨૫ હેઠળ ગુનો નોંધી પોલીસે પક્ષપાત કર્યો છે.
Recent Comments