રાજકોટ જિલ્લામાં આગામી. તા. ૧૧ના રોજ જામકંડોરણામાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે જિલ્લા વહિવટી તંત્ર ધંધે લાગ્યું છે. વડાપ્રધાનની જાહેર સભામાં રાજકોટ સહિત જિલ્લાભરના ૪૩ ક્લાસ -૧-૨ અધિકારીઓના હુકમ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. વડાપ્રધાન જામકંડોરણામાં સીએમઓ-પીએમઓ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં રાજકોટમાં સેફ હાઉસ અને સિવીલ હોસ્પિટલમાં સ્પેશ્યલ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. તેમ જિલ્લા કલેક્ટરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. જામકંડોરણામાં આશરે દોઢ લાખ લોકોની જંગી જાહેર સભાને વડાપ્રધાન સંબોધનાર છે. વડાપ્રધાન જામનગરથી જામકંડોરણા આવશે. આ માટે જામકંડોરણામાં હેલીપેડ તૈયાર કરી દેવામાં આવ્યું છે.
વડાપ્રધાન માટે ચાર હેલીકોપ્ટરનો કાફલો સીધો જામકંડોરણામાં જ ઉતરશે.મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થનાર હોય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારી હાથ ધરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટર, એડીશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ધોરાજીના નાયબ કલેક્ટરને પાસ અને એન્ટ્રી, ગોંડલના ડે. કલેક્ટરને પાર્કિંગ, જિલ્લા પંચાયતના અધિકારીઓને રોડ-રસ્તાની જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાન સાથે ૨૫ વીવીઆઇપીનો કાફલો પણ આવનાર હોય તેના માટે અલાયદી સુવિધા ઉભી કરવામાં આવનાર છે.
જામકંડોરણામાં મોબાઇલ નેટવર્કની તકલીફ હોય આ માટે મોબાઇલ કંપનીઓને એક્સ્ટ્રા કનેક્ટીવીટી વધારવાની સૂચના આપવામાં આવી છે. આવતીકાલે ને એસપીજીના ૨૫ અધિકારીઓ સાથે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જામકંડોરણાની ફિલ્ડ વીઝીટ કરવામાં આવનાર છે.આટલી મોટી સંખ્યામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો સંગીન બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. એટલું જ નહીં પાર્કિંગ માટે પણ અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે તેમાં બસ માટે ચાર પ્લોટ, કાર માટે ૭ પ્લોટ અને જનરલ માટે ચાર પ્લોટ, વીઆઇપી માટે બે પ્લોટમાં પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે.
Recent Comments