ડીસાના કુચાવાડા ગામે મહિલાએ ખેતર માલિકને માથામાં દાતરડું માર્યુ
ડીસા તાલુકાના કુચાવાડા ગામે ખેતરમાંથી ઘાસ લેવાની ના પાડતા મહિલાએ ખેતર માલિકને માથામાં દાતરડું મારી લોહી લુહાણ કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેતર માલિકને સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે પિતા-પુત્રને માર મારનાર પતિ-પત્ની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ડીસા તાલુકાના કુચાવાડા ગામે વીરાભાઇ રબારી ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે બાજુમાં રહેતા જહુબેન પટેલ તેમના ખેતરમાંથી ઘાસ લઈ જઈ રહ્યા હતા. ખેતર માલિક વીરાભાઇએ તેમના ખેતરમાંથી ઘાસ લેવાની ના પાડતા જહુબેન પટેલ ઉશ્કેરાઈ ગયા હતા અને ખેતર માલિકના માથામાં દાતરડું મારી તેમને ગંભીર ઈજા પહોંચાડી હતી.
ઘટનાને પગલે ખેતર માલિકનો પુત્ર હેમાભાઈ પિતાને બચાવવા માટે દોડી આવતા જહુબેન અને તેમના પતિ વાહતાભાઈએ તેને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ખેતર માલિકને સારવાર માટે ડીસા અને ત્યારબાદ પાલનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હુમલો કરી પિતા પુત્રને ઇજા પહોંચાડનારા પતિ-પત્ની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે
Recent Comments