જગદીશ ત્રિવેદીની પ્રેરીત, આઈફા-કેનેડા દ્રારા નિર્મિતઆઈફા બાળ સેવા કેન્દ્રનું પાટડી ખાતે ભવ્ય લોકાર્પણ થયું
જગદીશ ત્રિવેદીના જન્મદિવસે તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી શહેરના સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે કુપોષિત બાળકોની સેવા માટેના તદ્દન નવા ભવનનું લોકાર્પણ થયું.
સુરેન્દ્રનગર જીલ્લામાં સૌથી વધું કુપોષિત બાળકોની સંખ્યા પાટડી તાલુકામાં હોવાથી સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ પાટડી ઉપર પસંદગી ઉતારી હતી.
એમની પ્રેરણાથી એમના મિત્રોની સંસ્થા આઈફા- કેનેડાએ ગત જૂન માસમાં કેનેડા ખાતે જગદીશ ત્રિવેદીના કુલ ત્રણ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. હાસ્યરસના એ ત્રણ કાર્યક્રમોની આવકમાંથી આઈફા બાળ સેવા કેન્દ્રની ઈમારત બની ગઈ છે. જેમાં બાળકો માટે હોલ ઉપરાંત ડોકટરની ઓફીસ અને કીચનનું નિર્માણ થયું છે.
તા.૧૨/૧૦/૨૦૨૨ બુધવાર સવારે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ – છારોડી, અમદાવાદના અધ્યક્ષ પરમ પૂજય માધવપ્રિયદાસજી સ્વામીના વરદ હસ્તે આ સરકારી સેવા કેન્દ્રનું લોકાર્પણ થયું હતું.આ પ્રસંગે ડો. જગદીશ ત્રિવેદી, જીલ્લા આરોગ્ય અઘિકારી ગોહીલ, સુરેન્દ્રનગર વિદ્યાર્થીભૂવનના પૂજ્ય મહાત્માસ્વામી, જાણીતા ભાગવત કથાકાર અશ્વિનકુમાર શાસ્ત્રી, ઝાલાવાડના કરૂણાવાન તબીબ ડો. પી.સી. શાહ તેમજ ખૂબ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર અને પાટડીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જીલ્લા આરોગ્ય અઘિકારીએ જણાવ્યું હતું કે આ સુવિધાયુક્ત બાળ સેવા કેન્દ્રથી હવે આ વિસ્તારના બાળકોની વધું સારી સેવા થશે.જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બાળકો અહમ, ઇર્ષા અને દંભરહીત હોવાથી ઈશ્વરની વધું નજીક હોય છે. મને બાળકોની સેવા માટે નિમિત્ત બનવા મળ્યું એ મારું સૌભાગ્ય છે.માધવપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે અમે વરસોથી ઈશ્વરને થાળ ધરાવીએ છીએ પણ ક્યારેય ઈશ્વરને આરોગવા માટે આવતા જોયા નથી પરંતુ અહીં આ બાળ સેવા કેન્દ્રમાં દરરોજ બાળસ્વરૂપે ઈશ્વર આવશે અને જે પ્રેમથી ધરશો તે આરોગશે એમા શંકા નથી.ઉપરવાળા જગદીશે આ નીચેવાળા જગદીશને સેવા માટે પ્રેરણા કરાવી છે.
Recent Comments