fbpx
રાષ્ટ્રીય

પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કન્ટેનર ટ્રકે કારને ટક્કર મારતાં ચાર લોકોનાં મોત

ઉત્તર પ્રદેશના સુલતાનપુર નજીક પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર શુક્રવારે કન્ટેનર ટ્રકે બીએમડબલ્યુ કારને ટક્કર મારતાં ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. આ અકસ્માત અંગે એક અધિકારી જણાવ્યું હતું કે, સુલતાનપુરથી જઈ રહેલી બીએમડબલ્યુને હલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક્સપ્રેસ વે પર સામેથી આવતા કન્ટેનરે ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, તેમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ ટક્કર એટલી તીવ્ર હતી કે કારનું એન્જિન અને તેમાં સવાર ચારેય લોકો ફંગોળાઇ ગયા હતા અને થોડે દૂર જ પડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ અને ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરીટીના અધિકારીઓ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ટૂંક સમયમાં ઘટના સ્થળે દોડી ગયા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ રવીશ કુમાર અને અધિક્ષક પી સોમેન બર્મા ટૂંક સમયમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એસડીએમને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.

ડીએમએ જણાવ્યું હતું કે, મૃતકોની ઓળખ બિહારના દેહરીના રહેવાસી આનંદ પ્રકાશ (૩૫) જ્યારે અખિલેશ સિંહ (૩૫) અને દીપક કુમાર (૩૭) બંને બિહારના ઔરંગાબાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચોથા મૃતકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ કરાયા છે. ગયા અઠવાડિયે ભારે વરસાદ બાદ એક્સપ્રેસ વે પર ૫ ફૂટ ઊંડા અને ૧૫ ફૂટ પહોળા ખાડામાં એક કાર ફસાઈ ગઈ હતી. લખનઉને પૂર્વી ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાથી જાેડતા એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન નવેમ્બર ૨૦૨૧માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી-માર્ચમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કર્યું હતું. મીડિયા અહેવાલો મુજબ એસડીએમ વંદના પાંડે અને અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એસડીએમ વંદના પાંડેએ જણાવ્યું હતું કે, કારના નંબર દ્વારા મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ક્રેન બોલાવીને વાહનોને હટાવવામાં આવ્યા હતા. આ કારનો નંબર યુકે ૦૧ સી ૦૦૦૯ છે, જે ઉત્તરાખંડની હોવાનું કહેવાય છે.

Follow Me:

Related Posts