રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાવનગરના સિહોર ખાતે યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાવનગર જિલ્લાના સિહોર ખાતેના નગરપાલિકાના મેદાન ખાતે યોજાયો હતો.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે અધ્યક્ષીય પ્રવચન કરતાં જણાવ્યું કે, સગવડતા અને સારવારનું બીજું નામ આયુષ્યમાન કાર્ડ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલું આયુષ્યમાન કાર્ડ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સમાજના તમામ વર્ગોને મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે અભિયાન રૂપે આ કાર્ડ હાથોહાથ વિતરણ કરવામાં આવી રહ્યું છે તે આનંદની વાત છે.
આ અગાઉ પણ અનેક જરૂરિયાતમંદ છેવાડાના માનવીઓને આ કાર્ડ આપવામાં આવ્યું છે અને આ કાર્ડની સહાય- મદદથી તેઓના અનેક ગંભીર પ્રકારના રોગોની સારવાર શક્ય બની છે અને તેમનો મહામૂલું જીવન બચાવી શકાયું છે.
તેમણે કોરોના કાળમાં આરોગ્ય કર્મીઓની સેવાઓને યાદ કરીને જણાવ્યું કે, કોરોના કાળમાં તેઓએ રાત દિવસ જોયાં વગર સમાજના કોરોનાની ઝપેટમાં આવેલાં લોકોની સારવાર કરીને નવજીવન બક્ષવાનું કામ કર્યું છે. આ માટે તેમની જેટલી તેમના જેટલા વખાણ કરીએ તેટલાં ઓછા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનની સરકાર એવું કાર્ય આજે કરી રહી છે કે તેને નોંધ વિરોધીઓએ પણ લેવી પડે. કેન્સર, કિડની, મગજ જેવાં ગંભીર રોગો સાથે મહિલાઓના ઘૂંટણની સારવાર માટે પણ આ કાર્ડ મહત્વપૂર્ણ સાબિત થયું છે.
આપણને યાદ છે કે, જ્યારે આપણે ઘરેણાં, જમીન વેચીને પણ સારવાર કરવી પડતી હતી એવાં દિવસો હતાં અને અત્યારે આ એક કાર્ડની મદદથી રૂ. ૫ લાખ રૂપિયા સુધીની સારવાર આધુનિક હોસ્પિટલમાં ઉપલબ્ધ થાય છે. તે રાજ્ય સરકારની જેવી તેવી સિદ્ધિ નથી.
તેમણે ભાવનગર તેમજ શિહોરવાસીઓને આ કાર્ડથી વંચિત લોકો ઝડપથી સત્વરે આ કાર્ડ કઢાવી લે અને આ કામગીરીમાં ભાવનગર જિલ્લો રાજ્યમાં સર્વોચ્ચ બને તે માટેની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતમાં આજે ૫૦ લાખ લાભાર્થીઓને આ કાર્ડનું વિતરણ કરવામાં આવનાર છે.
ભાવનગર જિલ્લામાં ૯૦ હજાર કાર્ડનું વિતરણ કરવામાં આવનાર છે. લોકો પહેલાં નાણાંના અભાવે સારવાર કરાવતાં ન હતાં. પરંતુ ગરીબ લોકો પણ હવે પ્રાઇવેટ હોસ્પિટલોમાં રૂ. પ લાખ સુધીની સારવાર નિઃશૂલ્ક કરાવી શકે છે.
સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રીના વી.ડી.નકુમે જણાવ્યું કે, ગામડા ગામમાં વંચિત અને જરૂરિયાતમંદ માનવી પણ આ સુવિધાઓ મેળવે તેની આ સરકારે ચિંતા કરી છે. વિશ્વની સૌથી મોટી એવી આ પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના છે. તેનો મહત્તમ લાભ લેવા માટે તેમને ઉપસ્થિતિને અનુરોધ કર્યો હતો.
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણીકુમારે સ્વાગત પ્રવચન કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ લાભાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયા, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ આ અવસરે વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને પ્રતિકરૂપે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આયુષ્માન કાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તૃપ્તિબેન જસાણી, પ્રાંત અધિકારીશ્રી વાળા, મામલતદારશ્રી હેતલબા, જિલ્લા આરોગ્ય તંત્રના ડો.કોકિલાબેન, સિહોરના ગણમાન્ય નાગરિકો લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments