કડી સવૅ વિધાલયના યજમાનપદે ‘મૂલ્યશિક્ષણ’ પર વિદ્વાનોના વ્યાખ્યાનો અને ચર્ચાઓ
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નામની અવૈધિક સંસ્થા શિક્ષણના પ્રોત્સાહન,પ્રેરણા અને પ્રતિબદ્ધતાનું કાર્ય કરે છે.નીતિવિષયક તથા શિક્ષણના સાર્વત્રિક હિતમાં સર્વગ્રાહી અવાજ બનવાનો તેમનો ઉત્તમ પ્રયત્ન હોય છે. દર છ મહિને ગુજરાતભરના ગુણવત્તા, સમર્પણ અને નિષ્ઠાથી કામ કરતાં શિક્ષકો સાથે મળીને શિક્ષણના એક વિષય પર ચર્ચા-સંવાદ કરે છે. હવે આવી બીજી સંગોષ્ઠી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના યજમાન પદે તા.20 અને 21 ઓક્ટોબરના રોજ કડી, જિલ્લો મહેસાણા ખાતે યોજાઈ રહી છે.જેમાં સંસ્થાની શતાબ્દીના ઉપલક્ષ્યમાં તેના પ્રદાન અને અનુભવ નિચોડને પરખવાનો પણ હેતુ છે.
આ અંગેની વિગતો આપતાં સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું છે કે 20 ઓક્ટોબરના રોજ બપોરે ઉદ્ઘાટન સત્રમાં કેળવણી મંડળના અગ્રણી શ્રી ડો.મણીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં અતિથિ વિશેષ તરીકે જીસીઆરટીના નિયામક શ્રી દિનેશભાઈ પટેલ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ શ્રી એન.જી. વ્યાસ અને શિક્ષણાધિકારી શ્રી એન. કે. મોઢપટેલ ઉપસ્થિત રહેશે.
સંગોષ્ઠીના વિવિધ સત્રોનો વિષય “મૂલ્ય શિક્ષણ” નિયત કરવામાં આવ્યો છે. કેળવણી મંડળના ચેરમેન અને સમાજસેવી શ્રી વલ્લભભાઈ પટેલે આ પ્રકારના કાર્યોને આવકારીને સમગ્ર સંગોષ્ઠીનું યજમાનપદ સ્વીકારેલ છે.વિવિધ વિષયો પર વિદ્વાનો પોતાના વિચારો પ્રસ્તુત કરશે.જેમાં “લોકસાહિત્યમાં મૂલ્ય શિક્ષણ”- ડો.રાઘવજી માધડ,”સાંપ્રત અભ્યાસક્રમોમાં મૂલ્યો”-ડો. નીતિન પેથાણી, “ધાર્મિક ગ્રંથો:મૂલ્યોનો ખજાનો” -વિદુષી સુશ્રી ગીતાદીદી, “શાળાકીય પ્રવૃત્તિઓમાં મૂલ્યો”- ડો. હરેશ ચૌધરી અને તે ઉપંરાત પણ વિવિધ વિષયો પર ચર્ચા- સંવાદ થશે.
શિક્ષણ સંગોષ્ઠીના સાધકો તરીકે ભાગ લેનાર તમામ શિક્ષકો “સત્યના પ્રયોગો મૂલ્ય નિષ્ઠાનો મહાગ્રંથ” અને મારી શાળામાં મૂલ્ય નિષ્ઠાના પ્રયોગો” એ વિષય પર પોત પોતાની પ્રસ્તુતિ 20 અને 21 તારીખના રોજ કરનાર છે. કડીમાં યોજાઇ રહેલાં આ કાર્યક્રમને કેળવણી મંડળના તમામ વિભાગોના અધ્યાપકોએ આવકારીને આ પ્રકારના આયોજનને બિરદાવ્યું છે.સહસંયોજકો ડો. મહેશભાઈ ઠાકર અને શ્રી શ્યામજીભાઈ દેસાઈ તથા કે.એસ. પટેલ આચાર્યશ્રી તથા કનુભાઈ પટેલ અને અન્ય કાર્યકર્તાઓ આયોજનમાં જોતરાયાં છે.
Recent Comments